કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઃ શેલામાં 30 કરોડના ખર્ચે 2 કિ.મી.નો રોડ બનાવાશે, મલ્ટી પર્પઝ સહિતની હશે સુવિધા

ફૂટપાથ, સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મલ્ટી પર્પઝ ઝોન અને આધુનિક સ્ટ્રીટ લાઈટિંગ જેવી સુવિધાઓ મળી રહેશે. ખાસ કરીને નવી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન નખાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 22 Jan 2026 01:25 PM (IST)Updated: Thu, 22 Jan 2026 01:25 PM (IST)
commonwealth-games-2030-ahmedabad-preparations-shela-2-km-road-project-at-30-crores

Commonwealth Games 2030 Ahmedabad: અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા શેલા વિસ્તારમાં રુ30 કરોડના ખર્ચે 2 કિલોમીટર લાંબા અને 30 મીટર પહોળા અત્યાધુનિક માર્ગનું નિર્માણકાર્ય પ્રગતિમાં છે. સ્કાય સિટી જંકશનથી ક્લબ-07 થઈ UPL તળાવ સુધીના રસ્તાનું નવિનીકરણ કરવામાં આવશે. આ રોડનું ડેવલપમેન્ટ આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટને આગામી 9 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવી શકે છે.

શેલામાં હાથ ધરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટ અંતર્ગત 30 મીટર પહોળા માર્ગ પર બંને બાજુ 8-8 મીટરની ચાર લેન બનાવાશે. જેમાં ફૂટપાથ, સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મલ્ટી પર્પઝ ઝોન અને આધુનિક સ્ટ્રીટ લાઈટિંગ જેવી સુવિધાઓ મળી રહેશે. ખાસ કરીને નવી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈન નખાશે, જેનાથી શેલા અને આસપાસની સોસાયટીઓના રહીશોને ચોમાસા દરમિયાન જે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી કાયમપણે રાહત મળશે. આ સમગ્ર કામગીરી આગામી 9 મહિનાની અંદર પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટની એક નોંધપાત્ર વિશેષતા પર્યાવરણ સંરક્ષણ માટે ઔડા દ્વારા લેવાયેલું પગલું છે. રોડ નિર્માણ માટે અસરગ્રસ્ત થતા 90 વૃક્ષોને કાપી નાખવાને બદલે નજીકના બગીચામાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પ્રયોગમાં અંદાજે 50 ટકા વૃક્ષો બચી શક્યા છે. એક વૃક્ષના ટ્રાન્સપ્લાન્ટેશન પાછળ અંદાજે ₹3500નો ખર્ચ થયો હતો, જેમાં વન વિભાગની મશીનરીની મદદ લેવામાં આવી હતી. ઔડાએ આ માટે વન વિભાગને ₹3 લાખથી વધુનું વળતર પણ ચૂકવ્યું છે.