Ahmedabad News: અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગો અને 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપા દ્વારા ફાયર વિભાગના નેટવર્કને વધારે મજબૂત કરવા અંગે મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં રુ.500 કરોડના ખર્ચે અંદાજિત 9 નવા અત્યાધુનિક ફાયર સ્ટેશનો બનવવાની મનપાની યોજના છે. આ પ્રોજેક્ટ માટે મનપાના બિલ્ડીંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરુ કરીને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવ્યા છે.
ફિનલેન્ડથી આવશે હાઈડ્રોલિક પ્લેટફોર્મ
ઊંચી ઈમારતો પર અચાનક કોઈ ઈમરજન્સી અને રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી હોય તે માટે ચાલુ વર્ષના અંતમાં એટલે કે, ડિસેમ્બરમાં યુરોપિયન દેશ ફિનલેન્ડથી વિશેષ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અમદાવાદ આવી જશે. આ પ્લેટફોર્મની મદદથી ફાયર ફાઈટરો 43 માળની ઉંચાઈ સુધી રેસ્ક્યૂ અને આગ બુઝાવવાની કામગીરી સરળતાથી કરી શકશે. તેની સાથે સાથે થલતેજ અને ત્રાગડ ખાતે નવા બની રહેલા 2 ફાયર સ્ટેશનો ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.
નવા ફાયર સ્ટેશનો અને અંદાજિત ખર્ચનું માળખું
આ તમામ નવા ફાયર સ્ટેશનો સ્ટાફ ક્વાર્ટર અને હાઈટેક ઈ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે. તેમજ ઈમરજન્સી કોલ પર ત્વરિત રિસ્પોન્સ આપવા માટે જીપીએસ (GPS) અને વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ સાથેનો મોર્ડન સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાશે. ઈસનપુરમાં 85.55 કરોડ, રામોલમાં 83.52 કરોડ, રાણીપમાં 71.13 કરોડ, ભાડજમાં 62.87 કરોડ, કઠવાડામાં 58.41 કરોડ, સરખેજમાં 58.31 કરોડ, જોધપુરમાં 58.92 કરોડ, ઓગણજમા 50.79 કરોડ, લાંભામાં 42.41 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનોનું નિર્માણ થશે.
