અમદાવાદમાં શિક્ષણજગત શર્મસાર! શેઠ C.N. વિદ્યાલયમાં શિક્ષકે ધો. 9 ના વિદ્યાર્થીને 6 લાફા ઝીંક્યા, વાલીઓનો ભારે રોષ

અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં અવાજ કરવા બદલ શિક્ષકે ધો. 9 ના વિદ્યાર્થીને 6 લાફા ઝીંકતાં વિવાદ સર્જાયો છે. ઘટનાના CCTV સામે આવતાં DEO એ શાળા પાસે ખુલાસો માગ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 04:03 PM (IST)Updated: Sat, 24 Oct 2026 04:03 PM (IST)
ahmedabad-cn-vidyalaya-teacher-slaps-student-ambawadi-school-incident-deo-notice

Ahmedabad School Controversy: અમદાવાદ શહેરમાં શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. શહેરના આંબાવાડી ખાતે આવેલી શેઠ સી.એન વિદ્યાલયમાં એક શિક્ષકે ધો.9માં ભણતા વિદ્યાર્થીને ઉપરાછાપરી છ લાફા ઝીંકી દેતાં વિવાદ સર્જાયો છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે વિદ્યાર્થીના વાલીને થતાં સ્કૂલ પ્રશાસન સામે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી મૂકી છે.

શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા

મળતી માહિતી મુજબ, આંબાવાડી ખાતે આવેલી શેઠ સી. એન વિદ્યાલયમાં ગત 14 ઓક્ટોબરના બપોરના સમયે વિદ્યાર્થી ક્લાસરુમમાં બેઠો હતો. ત્યારે શિક્ષક ઘનશ્યામસિંહ ડાભી અચાનક જ વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓની હાજરીમાં 6 લાફાઓ ઝીંકી દિધા હતા. તેમજ વિદ્યાર્થીને ક્લાસરુમમાંથી બહાર નીકાલી દીધો હતો. સ્કૂલમાંથી જ્યારે વિદ્યાર્થી ઘરે પહોંચ્યો. તેણે તરત જ પોતાના માતાપિતાને આ અંગે જાણ કરી હતી.

શિક્ષક સામે કાર્યવાહીની માંગ

પોતાના સંતાન સાથે શિક્ષકે આવું વર્તન કર્યાનું જાણીને વાલીએ તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શિક્ષક વિરુદ્ધ રજૂઆત કરી હતી. જ્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. શાળા પ્રશાસને આ અંગે કાર્યવાહી કરતાં શિક્ષકને નોટિસ ફટકારીને તેની પાસે ખુલાસો માંગ્યો હતો. જેમાં પ્રાપ્ત વિગત પ્રમાણે, વિદ્યાર્થી ક્લાસરુમમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે માર માર્યો હતો. શાળાએ તપાસ કમિટીની રચના કરી છે.

DEOએ તપાસનો આપ્યો આદેશ

વિદ્યાર્થીને માર મારવાની ફરિયાદને ધ્યાને લેતાં જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ શાળાને નોટિસ ફટકારીને આચાર્ય પાસે ખુલાસો માંગ્યો છે. તેમજ શિક્ષણ નિરીક્ષકને સમગ્ર ઘટનાની તપાસ કરીને સૂચના કરવાનો આદેશ આપ્યો છે. જે રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારીને સોંપ્યા બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.