યુએસ પ્રવાસનો પાંચમો દિવસ; ન્યૂયોર્કમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્લેકરોક, કિન્ડ્રીલ અને હોલ્ટેકના અગ્રણીઓ સાથે કરી બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં કિન્ડ્રીલ, બ્લેકરોક અને હોલ્ટેક ઇન્ટરનેશનલના અગ્રણીઓ સાથે બેઠક કરી. ગિફ્ટ સિટી અને ન્યુક્લિયર પાવર ક્ષેત્રે ગુજરાતમાં મોટા રોકાણના એંધાણ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 21 Aug 2026 05:30 PM (IST)Updated: Fri, 21 Aug 2026 05:30 PM (IST)
cm-bhupendra-patel-meets-ceos-in-new-york-for-gujarat-investment

Bhupendra Patel US Tour: આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ માટે વૈશ્વિક રોકાણકારોને આમંત્રણ આપવા અમેરિકાના પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિશ્વવિખ્યાત કંપનીઓના સીઈઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન આઈટી, ફાયનાન્સ અને ક્લીન એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

AI અને સ્ટાર્ટઅપ્સ માટે કિન્ડ્રીલ (Kyndryl) આપશે સાથ

આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જાણીતી કંપની કિન્ડ્રીલના ગ્લોબલ ડિલિવરી હેડ ઝેકર્સેસ કુપર સાથે મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજી સેક્ટર અંગે ખાસ ચર્ચા કરી હતી.

નવા યુવાનો માટે તકો: કંપનીએ ગુજરાતના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડન્સ (મેન્ટરશિપ) પૂરું પાડવા ઉત્સુકતા દર્શાવી છે.

રોકાણ માટે પ્રથમ પસંદગી: સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણકારો માટે પહેલી પસંદ બની રહ્યું છે.

 

ગિફ્ટ સિટી બનશે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર

વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સમારા કોહેન સાથેની બેઠકમાં ગુજરાતના નાણાકીય ક્ષેત્રના વિકાસ પર ચર્ચા થઈ હતી.

ગિફ્ટ સિટીની તાકાત: મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી તૈયાર થયેલા ગિફ્ટ સિટી (GIFT City)ની આંતરરાષ્ટ્રીય સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

મોટા રોકાણની શક્યતા: ગિફ્ટ સિટીમાં 'એક્સચેન્જ ટ્રેડેડ ફંડ' (ETF) અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું કામ કરવાની મોટી ક્ષમતા છે. સીએમ પટેલે બ્લેકરોકને ગિફ્ટ સિટીમાંથી સેવાઓ શરૂ કરવા અને વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આહ્વાન કર્યું હતું.

હોલ્ટેક ઇન્ટરનેશનલ (Holtec) ગુજરાતમાં સ્થાપશે ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર

પરમાણુ ઉર્જા ક્ષેત્રે સુરક્ષિત ફ્યુઅલ સ્ટોરેજ પૂરું પાડતી હોલ્ટેક ઇન્ટરનેશનલના નેતૃત્વ સાથેની બેઠકમાં ગ્રીન અને કલીન એનર્જી પર ભાર મુકાયો હતો.

પ્લાન્ટ અને R&D સેન્ટર: હોલ્ટેકે ગુજરાતમાં સ્મોલ મોડ્યુલ રિએક્ટરનું ઉત્પાદન કરવા અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર શરૂ કરવામાં ઊંડો રસ દાખવ્યો છે.

નવી નીતિનો લાભ: સીએમ પટેલે ઉમેર્યું કે ગુજરાતની નવી ‘ઈન્ડસ્ટ્રીયલ પોલિસી-2026’ હેઠળ ન્યુક્લિયર એનર્જી સાધનોના ઉત્પાદનને ખાસ પ્રોત્સાહન (Thrust Area) આપવામાં આવી રહ્યું છે.

ઉચ્ચ સ્તરીય ડેલિગેશન રહ્યું ઉપસ્થિત

આ તમામ ઉચ્ચ સ્તરીય વન-ટુ-વન બેઠકોમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું ડેલિગેશન ખાસ હાજર રહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તમામ વૈશ્વિક દિગ્ગજોને જાન્યુઆરી 2027માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.