'તેમની નસોમાં ગુજરાતનું લોહી વહે છે...',174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને CM ભૂપેન્દ્ર પટેલે બિરદાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હિંમતવાન કેપ્ટન વહેલામાં વહેલી તકે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય અને તેમની ઈજાઓ ઝડપથી રૂઝાઈ જાય તે માટે ઈશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 01 Oct 2026 11:48 AM (IST)Updated: Thu, 01 Oct 2026 12:08 PM (IST)
cm-bhupendra-patel-honors-captain-smit-machchhar-for-saving-174-passengers

Captain Smit Machchhar: મૂળ ગુજરાતી એવા કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની અદભુત બહાદુરી અને શૌર્યથી 174 મુસાફરોના જીવ બચાવી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે હુમલાખોર સામે લડીને એક મોટી દુર્ઘટના ટાળી હતી. કેપ્ટન સ્મિતની આ અસાધારણ હિંમત અને કર્તવ્યનિષ્ઠાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવી છે અને તેમની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે કેપ્ટનના આ સાહસ બદલ સમગ્ર ગુજરાત અને દેશ આજે અત્યંત ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની નસોમાં ગુજરાતું લોહી વહી રહ્યું છે.

હુમલાખોર સામે લડીને એક મોટી દુર્ઘટના ટાળી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશને કેપ્ટન સ્મિત મચ્છર પર અપાર ગર્વ છે! આકાશમાં તેમણે જે અદમ્ય સાહસ અને શૌર્ય દર્શાવ્યું છે, તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે હુમલાખોર સામે લડીને એક મોટી દુર્ઘટના ટાળી અને 174 મુસાફરોના જીવ બચાવ્યા.

તેમની નસોમાં ગુજરાતનું લોહી વહી રહ્યું છે

આ બહાદુર કેપ્ટનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતી સપૂતની અદભુત બહાદુરી મુખ્યમંત્રીએ કેપ્ટન સ્મિત મચ્છરને એક ગર્વિત ભારતીય ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની નસોમાં ગુજરાતી લોહી વહે છે, જે આપણી અડગતા અને હિંમતનું સાચું પ્રતિબિંબ છે. આ બહાદુર ગુજરાતી મૂળના પુત્રએ વૈશ્વિક મંચ પર સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રીએ કેપ્ટન સ્મિતના અસાધારણ પરાક્રમને સલામ કરતાં તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

શું હતી સમગ્ર ઘટના?

ફ્લાયદુબઈની ફ્લાઇટ નંબર FZ 1073 એ જ્યારે દુબઈથી તેલઅવીવ માટે ઉડાન ભરી હતી, ત્યારે હવામાં હજારો ફૂટની ઊંચાઈએ કોકપિટની અંદર એક ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સત્તાવાર નિવેદન અનુસાર, ફ્લાઇટ દરમિયાન અચાનક જ વિમાનના સહ-પાયલટે એરક્રાફ્ટની સિસ્ટમ સાથે છેડછાડ કરીને તેને તોડી પાડવાનો (ક્રેશ કરવાનો) ઘાતકી પ્રયાસ શરૂ કર્યો હતો. મુખ્ય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે તુરંત જ સક્રિય થઈને આ ખતરનાક હરકતનો પ્રતિકાર કર્યો અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો, જેનાથી ઉશ્કેરાઈને આરોપી કો-પાયલટે કેપ્ટન મચ્છર પર ચાકુ વડે તીક્ષ્ણ હુમલાઓ કરી દીધા હતા.

આ લોહિયાળ ઝડપમાં કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થઈને લોહીલુહાણ હાલતમાં કોકપિટના ફ્લોર પર ઢળી પડ્યા હતા અને અત્યંત નાજુક સ્થિતિના કારણે તેમને બોલવામાં પણ તકલીફ પડી રહી હતી. આ કટોકટીની પળે કેબિન ક્રૂના એક સભ્ય અને અન્ય એક મુસાફરે અસાધારણ સમયસૂચકતા વાપરીને કોકપિટમાં પ્રવેશ કર્યો હતો અને હુમલાખોર સહ-પાયલટને દબોચીને કાબૂમાં લીધો હતો.

કોણ છે હીરો સાબિત થયેલા કેપ્ટન સ્મિત મચ્છર?

આ આખી ઘટનામાં દેવદૂત બનીને ઉભરેલા કેપ્ટન સ્મિત મચ્છર ભારતીય નાગરિક છે અને તેઓ ઉડ્ડયન ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ મૂળ ગુજરાતી છે. તેઓ છેલ્લા 4 વર્ષથી સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારની અગ્રણી લો-કોસ્ટ એરલાઇન 'ફ્લાયદુબઈ' સાથે કાર્યરત છે. ફ્લાયદુબઈમાં જોડાતા પહેલાં, કેપ્ટન સ્મિત મચ્છરે ભારતીય એવિએશન સેક્ટરની જાણીતી કંપની સ્પાઇસજેટમાં લગભગ 10 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી હતી.

વર્ષ 2011માં સ્પાઇસજેટ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા કેપ્ટન મચ્છરે ત્યાં સિનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન જેવી અત્યંત જવાબદાર અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ સફળતાપૂર્વક નિભાવી હતી. ત્યારબાદ, જૂન 2022માં તેઓ સ્પાઇસજેટમાંથી મુક્ત થઈને ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. બોઇંગ 737 શ્રેણીના કોમર્શિયલ એરક્રાફ્ટ ઉડાવવાનો 13 વર્ષથી વધુનો લાંબો અને ગૌરવશાળી અનુભવ ધરાવતા કેપ્ટન મચ્છરના નામે 9,750 કલાકથી પણ વધુ સમય સુધી હવામાં ઉડાન ભરવાનો શાનદાર રેકોર્ડ નોંધાયેલો છે.