Ahmedabad News:ચિરિપાલ ગ્રૂપે અભિનેતા બમન ઈરાનીની ઉપસ્થિતિમાં તેનો 54મો સ્થાપના દિવસ ઉજવ્યો

બમન ઈરાનીએ જણાવ્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ શૉર્ટકટ નથી. કોઈ જાદુઈ છડી નથી. મહેનત જ સફળતાની કૂંચી છે. જ્યારે તમે પાયાથી શરૂઆત કરો છો, ત્યારે તમારે ધીમે-ધીમે આગળ વધીને ટોચ સુધી પહોંચવું પડે છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 21 Oct 2026 09:01 PM (IST)Updated: Wed, 21 Oct 2026 09:01 PM (IST)
chiripal-group-celebrated-its-54th-foundation-day-in-the-presence-of-actor-boman-irani

Ahmedabad News: અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ ક્ષેત્રના અગ્રણી અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ચિરિપાલ ગ્રૂપે બુધવારે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે તેનો 54મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા બમન ઈરાની આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ખ્યાતનામ સ્ક્વૉશ પ્લેયર સૂરજ ચંદ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર્સ, કર્મચારીઓ અને સ્ટાફના સભ્યો રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરવા એકઠાં થયા હતા.બમન ઈરાનીની ઉપસ્થિતિએ આ ઉજવણીને એક વિશેષ પરિમાણ આપ્યું હતું. તેમણે ગ્રૂપના પ્રમોટર્સ અને કર્મચારીઓ સાથે ભેગા મળીને આ પ્રસંગનો આનંદ માણ્યો હતો. એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા સૂરજ ચંદ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમને ચિરિપાલ સ્ક્વૉશ એક્સિલેન્સ પ્રોગ્રામનું સમર્થન પ્રાપ્ત છે, જે સ્ક્વૉશ ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને સ્પર્ધાત્મક તકો પૂરી પાડવા માટે ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે.

બમન ઈરાનીએ જણાવ્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ શૉર્ટકટ નથી. કોઈ જાદુઈ છડી નથી. મહેનત જ સફળતાની કૂંચી છે. જ્યારે તમે પાયાથી શરૂઆત કરો છો, ત્યારે તમારે ધીમે-ધીમે આગળ વધીને ટોચ સુધી પહોંચવું પડે છે. જો તમે ખરેખર સખત મહેનત કરશો, તો એક દિવસ ટોચ સુધી પહોંચી જ જશો. જ્યારે પણ તમે કોઈ કામ કરવાનો નિર્ણય લો, ત્યારે તેને પૂરું કરીને જ રહો, જ્યારે કોઈ કામ કરવાનું નક્કી કરો, ત્યારે તમારું શ્રેષ્ઠ આપો.

જ્યારે આપણે સફળ થઈએ છીએ ત્યારે આપણે તેનાથી પણ વધુ સફળ થવા માગીએ છીએ. તેમાં કંઈ ખોટું નથી. આપણે વધુ પૈસા કમાવા માગીએ છીએ. તેમાં પણ કંઈ ખોટું નથી. પરંતુ સફળતાની દરેક નવી ઊંચાઈ સાથે આપણને મળતી સુવિધાઓ અને લાભ પ્રત્યેની આપણી અપેક્ષાઓ વધતી જ જાય છે. તમારી નોકરીમાંથી મળતા લાભને ક્યારેય નોકરી કરતાં વધુ મહત્ત્વના ન બનવા દો. પોતાના મૂળ સાથે જોડાયેલા રહો અને હંમેશાં નમ્ર રહો.’

કાર્યક્રમની શરૂઆત કર્મચારીઓના ટેલેન્ટ શોથી થઈ હતી, જેમાં ચિરિપાલ ગ્રૂપના કર્મચારીઓએ સિંગિંગ, ડાન્સિંગ અને અન્ય પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી હતી. ત્યારબાદ એક ઔપચારિક સમારોહમાં ચિરિપાલ ગ્રૂપની અત્યાર સુધીની વિકાસયાત્રા પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને પ્રસંગની ઉજવણી નિમિત્તે કેક કટિંગ સેરેમની યોજાઈ હતી.

આ પ્રસંગે ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે,અમારા સ્થાપના દિવસનો અવસર ગ્રૂપની વિકાસયાત્રા પર ચિંતન કરવાનો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ચિરિપાલ ગ્રૂપની પ્રગતિને આગળ વધારવામાં જેમના પ્રયાસો અને કટિબદ્ધતાઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે, તેમને બિરદાવવાનો અવસર છે. અમારા કર્મચારીઓ આ વિકાસયાત્રાના કેન્દ્રસ્થાને છે અને તેમની રોજિંદી ભૂમિકાઓથી આગળ વધીને એકબીજા સાથે જોડાવાની તકો ઊભી કરવી મહત્ત્વપૂર્ણ છે. ચિરિપાલ સ્પાર્ક સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કર્મચારીઓને રમતગમતમાં ભાગ લેવા, શિસ્ત અને ટીમ સ્પિરિટની ભાવના વિકસાવવા પ્રોત્સાહિત કરે છે.