Chhath Puja 2026 Ahmedabad: બિહારની લોકઆસ્થાના મહાપર્વ એવા છઠ પૂજાની ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. 15 અને 16 નવેમ્બરના રોજ યોજનારા મહાપર્વમાં શહેરના અઢી લાખથી વધુ ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે જોડાયા છે. આજે 15 નવેમ્બરના રોજ સાંજે સૂર્યાસ્ત થતાં સૂર્યદેવને અને આવતી કાલે એટલે કે, 16 નવેમ્બરની વહેલી સવારે ઊગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે, જેને લઈને અમદાવાદ મનપા અને છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ દ્વારા રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આયોજન કરાયુ છે.
રિવરફ્રન્ટે 20 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત
આ અંગે ટ્રસ્ટના અધ્યક્ષ ડો. મહાદેવ ઝા પાસેથી મળતી વિગત પ્રમાણે, 15 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાથી લઈને 16 નવેમ્બર સવારે 8 વાગ્યા સુધી ચાલનારી આ પૂજામાં અહીં 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓ સૂર્યદેવને અર્ધ્ય આપશે. ભારે ભીડને ધ્યાને રાખીને અહીં વધુ એક નવો ઘાટ બનાવાયો છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે 5 હજારથી વધુ લોકો માટે ખીચડી પ્રસાદ અને રાત્રિરોકાણની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે
કાર્યક્રમમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્યો, મેયર અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા ઉત્તર ભારતીયો માટે ઠેર ઠેર પૂજાના ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં બિહાર કલ્ચરલ એસોશિયેશન દ્વારા શાહીબાગના નારાયણ ઘાટ ઉપર ચોથા વર્ષે આયોજન કરાયુ છે. તે સિવાય મેઘાણીનગર, સાબરમતી, બાપુનગર, સરસપુર અને ચાંદખેડામાં વિશેષ આયોજન કર્યુ છે.
36 કલાકના કઠિન નિર્જળા ઉપવાસ અને 4 દિવસનું મહાપર્વ
પૂજારી નિત્યાનંદ ચૌધરીએ છઠ પૂજાના મહત્વ વિશે જણાવતા કહ્યું કે, આ 4 દિવસનું લોકપર્વ છે જેમાં પરિણીત મહિલાઓ અને પુરુષો બંને 36 કલાકના કઠિન નિર્જળા ઉપવાસ, જમીન પર શયન અને સાત્ત્વિક નિયમોનું પાલન કરે છે:
- પ્રથમ દિવસ (નહાય-ખાય): સ્નાન-સફાઈ બાદ ચણાની દાળ, દૂધી અને ભાતનું સાત્ત્વિક ભોજન લેવાય છે.
- બીજો દિવસ (ખરના): આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખ્યા બાદ સાંજે ગોળની ખીર અને રોટલીનો પ્રસાદ ગ્રહણ કરાય છે, ત્યારબાદ 36 કલાકના અખંડ નિર્જળા ઉપવાસ શરૂ થાય છે.
- ત્રીજો દિવસ (સંધ્યા અર્ધ્ય): સાંજે ઘાટ પર પાણીમાં ઊભા રહીને આથમતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે.
- ચોથો દિવસ (ઉષા અર્ધ્ય): સપ્તમીના દિવસે વહેલી સવારે ઊગતા સૂર્યને અર્ધ્ય આપીને વ્રતના પારણાં કરવામાં આવે છે.
