ચાંદલોડિયા A અને B રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું 70% કામ પૂર્ણ: રૂ. 45.72 કરોડના ખર્ચે મળશે આધુનિક સુવિધાઓ

અમદાવાદના ચાંદલોડિયા A અને B રેલવે સ્ટેશનના પુનર્વિકાસનું 70% કામ પૂર્ણ. યાત્રીઓની સુવિધા માટે CGDB બોર્ડ, લિફ્ટ અને 40 ફૂટ પહોળો FOB તૈયાર થઈ રહ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 08:32 PM (IST)Updated: Mon, 17 Aug 2026 08:32 PM (IST)
chandlodiya-station-redevelopment-70-complete-4572-cr-project

Chandlodiya Railway Station: ભારતીય રેલવે દ્વારા ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ મારફતે દેશભરના 1300 થી વધુ રેલવે સ્ટેશનોને આધુનિક, સુરક્ષિત, સરળ અને યાત્રી-કેન્દ્રિત સ્વરૂપ આપવાની દિશામાં સતત કામ કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા ચાંદલોડિયા રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ અંદાજિત રૂ. 45.72 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે.

આ પરિયોજના હેઠળ આધુનિક યાત્રી સુવિધાઓ, સુવ્યવસ્થિત અવરજવર, પ્લેટફોર્મ અપગ્રેડેશન, નવી સ્ટેશન બિલ્ડિંગ, વિશાળ ફૂટ ઓવર બ્રિજ, પાર્કિંગ તથા સર્ક્યુલેટિંગ એરિયાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આ પ્રોજેક્ટનું કામ આશરે 70 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલી કામગીરી 31 માર્ચ 2027 સુધીમાં આટોપી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

કોચની માહિતી અને યાત્રી માર્ગદર્શન વ્યવસ્થામાં સુધારા

યાત્રીઓ પાસેથી મળેલા સૂચનો અને ફીડબેકને પ્રાથમિકતા આપીને અમદાવાદ મંડળ દ્વારા ચાંદલોડિયા સ્ટેશન પર પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, કોચ માર્ગદર્શન અને ડિસ્પ્લે વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચાંદલોડિયા-બી થી સોમનાથ તરફ જતા મુસાફરોને કોચનું સ્થાન ઓળખવામાં પડતી મુશ્કેલી અંગેના ફીડબેકની નોંધ લઈને સિસ્ટમની સમીક્ષા કરાઈ છે. હાલમાં પ્રવેશદ્વાર પાસેના વેઇટિંગ રૂમમાં ઈલેક્ટ્રોનિક ટ્રેન ઈન્ડિકેટર ડિસ્પ્લે બોર્ડ કાર્યરત છે. સહયોગ કાઉન્ટર તથા પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

વરિષ્ઠ નાગરિકો અને મુસાફરોની અનુકૂળતા માટે ચાંદલોડિયા A અને B બંને સ્ટેશનોના પ્લેટફોર્મ શેડ પર 'કોચ ગાઈડન્સ ડિસ્પ્લે બોર્ડ' (CGDB) લગાડવાનું કામ ચાલુ છે. વધુમાં, ચાંદલોડિયા-એ સ્ટેશનની મુખ્ય બિલ્ડિંગમાં મલ્ટીલાઈન ડિસ્પ્લે બોર્ડ ચાલુ થઈ ગયું છે, જ્યારે ચાંદલોડિયા-બી સ્ટેશનની મુખ્ય બિલ્ડિંગમાં બહુભાષી ડિસ્પ્લે બોર્ડનું કામ આગામી 10 દિવસમાં પૂર્ણ થશે.

11,100 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ

પુનર્વિકાસ યોજના હેઠળ ચાંદલોડિયા ખાતે 11,100 ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવતી મુખ્ય સ્ટેશન બિલ્ડિંગનું બાંધકામ 100 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. આ નવી બિલ્ડિંગમાં બુકિંગ કાઉન્ટર, વીઆઈપી વેઇટિંગ રૂમ,ફર્સ્ટ ક્લાસ, જનરલ, એસી અને નોન-એસી વેઇટિંગ રૂમ, બેબી ફીડિંગ રૂમ તથા વિવિધ કોમર્શિયલ અને સંચાલન સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સિવાય ચાંદલોડિયા-બી સ્ટેશનમાં પીઆરએસ, એસી/નોન-એસી વેઇટિંગ રુમ, બેબી ફીડિંગ રૂમ, પુરુષ તથા મહિલા શૌચાલય, દિવ્યાંગજન શૌચાલય અને પાર્સલ ઓફિસ બિલ્ડિંગ જેવી સુવિધાઓનો વિકાસ કરાયો છે.

વિશાળ ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ અને શેડનું અપગ્રેડેશન

યાત્રીઓની સુગમ અને સુરક્ષિત અવરજવર માટે પ્લેટફોર્મ નંબર 1 થી 5 સુધી કનેક્ટિવિટી આપતા 40 ફૂટ પહોળા ફૂટ ઓવર બ્રિજ/એર કોન્કોર્સનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું કામ 88 ટકા પૂર્ણ થઈ ગયું છે. યોજના હેઠળ 20 મીટર પહોળા વધારાના ફૂટ ઓવર બ્રિજની પણ જોગવાઈ છે.

સ્ટેશનના 3,19,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પ્લેટફોર્મ વિકાસ કામો 82 ટકા પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં પ્લેટફોર્મ-1 પર રિસરફેસિંગ પૂર્ણ થયું છે અને પ્લેટફોર્મ-3ને ઊંચું કરવાની કામગીરી ચાલુ છે. મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપવા માટે 2,15,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કવર ઓવર પ્લેટફોર્મ (COP) નાખવાનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યું છે.

પાર્કિંગ, સર્ક્યુલેટિંગ એરિયા અને હોલ્ડિંગ ઝોનનો વિકાસ

સ્ટેશન સંકુલમાં વાહનોની વ્યવસ્થિત અવરજવર માટે 78,300 ચોરસ ફૂટ વિસ્તારમાં સર્ક્યુલેટિંગ અને પાર્કિંગ એરિયા વિકસાવવામાં આવી રહ્યો છે, જેની પ્રગતિ 97 ટકા છે. તેમાં ચાંદલોડિયા-એ માટે 35,000 ચોરસ ફૂટ અને ચાંદલોડિયા-બી માટે 43,400 ચોરસ ફૂટ વિસ્તાર ફાળવાયો છે.

ભીડ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને 82,000 ચોરસ ફૂટ વિસ્તારમાં હોલ્ડિંગ એરિયા બનાવવાનું કામ 98 ટકા અને પ્રતીક્ષાલય તથા આંતરિક સુવિધાઓના અપગ્રેડેશનનું કામ 92 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે.

લિફ્ટ અને સમાવેશી સુવિધાઓ

દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે દરેક પ્લેટફોર્મ પર મળીને કુલ 5 લિફ્ટ મૂકવાનું કામ 62 ટકા સુધી પૂર્ણ થયું છે. તેની સાથે દિવ્યાંગજનો માટે અલગ પાર્કિંગ અને વિશેષ શૌચાલયોની જોગવાઈ કરાઈ છે. સ્વચ્છતા જાળવવા માટે 1,200૦ ચોરસ ફૂટ વિસ્તારમાં શૌચાલયોના અપગ્રેડેશન અને નવીન નિર્માણનું કામ 82 ટકા પૂર્ણ થઈ ગયું છે, જેમાં પે-એન્ડ-યુઝ સુવિધાનો પણ સમાવેશ થાય છે. આ તમામ કામગીરી પૂર્ણ થતાં જ ચાંદલોડિયા સ્ટેશન આસપાસના વધતા જતા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા આધુનિક પરિવહન કેન્દ્ર તરીકે સંપૂર્ણ સજ્જ બની જશે.