BZ Group Ponzi Scam: ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટીયા અને જયંત યાદવ પણ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ સ્કીમમાં ફસાયેલા કરોડો રૂપિયા પાછા મેળવવા માટે ત્રણેય ક્રિકેટરોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. અરજદારની તમામ રજૂઆત ધ્યાને લઈને હાઈકોર્ટ નિર્દેશો જારી કર્યા છે, અને આ કેસની વધુ સુનાવણી બુધવારે રાખી છે.
GTના પૂર્વ મેનેજરે આપી હતી ઊંચા વળતરની લાલચ
IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સના તત્કાલીન મેનેજર ધવલ શાહના સંપર્કમાં આવ્યા બાદ ક્રિકેટરોએ આ રોકાણ કર્યું હતું. ધવલ શાહે મિડલમેન બનીને ક્રિકેટરોને ભૂપેન્દ્ર પટેલની બીઝેડ ગ્રુપની સ્કીમોમાં રોકાણ કરવા અને ખૂબ ઓછા સમયમાં ઊંચું વળતર અપાવવાની લોભામણી લાલચ આપી હતી. લાલચમાં આવીને હર્ષલ પટેલ, રાહુલ તેવટીયા અને જયંત યાદવના મળીને આશરે ચાર કરોડથી વધુ રૂપિયા બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકવામાં આવ્યા હતા.
કૌભાંડનો પર્દાફાશ થતાં મેનેજરે હાથ ઊંચા કરી દીધા
બાદમાં ભૂપેન્દ્ર પટેલના હજારો કરોડ રૂપિયાના બીઝેડ ગ્રુપના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને સમાચાર માધ્યમો મારફતે આ અંગે જાણ થઈ હતી. ત્રણેય ક્રિકેટરોએ પોતાના નાણાં પાછા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ધવલ શાહે હાથ ઊંચા કરી દીધા હતા, અને ક્રિકેટરોના કરોડો રૂપિયા સલવાઈ ગયા હતા.
પોલીસે FIR ન નોંધતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા
પોતાના નાણાં ડૂબી જતાં ક્રિકેટરો તરફથી બોડકદેવ-બોપલ પોલીસ મથકનો સંપર્ક કરી FIR નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે એવો જવાબ આપ્યો કે આ મામલામાં CID ક્રાઈમમાં અગાઉથી ફરિયાદ નોંધાઈ ગઈ હોવાથી હવે અલગથી ફરિયાદ નોંધી શકાય નહીં. આથી ક્રિકેટર હર્ષલ પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરી હતી.
રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી કે, આ બહુ ગંભીર ગુનો અને કરોડો રૂપિયાનો સવાલ હોવાથી પોલીસે અલગથી FIR દાખલ કરવી જોઈએ. વળી, CID ક્રાઈમમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં તેઓ સાક્ષી નથી કે તેમને તે વિશે કંઈ ખબર પણ નથી.
ગુજરાત હાઈકોર્ટે મામલામાં યોગ્ય દરમિયાનગીરી કરી અરજદાર ક્રિકેટરોના ફસાયેલા નાણાં પાછા મળે તે પ્રકારની રાહત આપવી જોઈએ. સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મોક્ષા કે. ઠક્કરે સીઆઈડી ક્રાઈમ અને બોડકદેવ પોલીસને સમગ્ર મામલે જરૂરી સૂચના મેળવી અદાલતને જાણ કરવા નિર્દેશ કર્યો છે.
