Ahmedabad News: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટી પાસે જાહેરમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં રહેતા હરેશભાઈ પટણી મંગળવારે સવારે ઘરેથી નીકળ્યા હતા. સવારે આશરે 11 વાગ્યાના સુમારે તેઓ ગુલબર્ગ સોસાયટી નજીક રિક્ષામાં બેસીને સમય પસાર કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.
જીવ બચાવવા દોડ્યા પણ મોતને ભેટ્યા
તકરાર દરમિયાન હુમલાખોરોએ અચાનક છરીઓ કાઢી હરેશભાઈ પર હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે હરેશભાઈ રસ્તા પર દોડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ પીછો કરી તેમને આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. અંતે, અસારવા ગુજરાતી સ્કૂલ નજીક તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ હત્યા પાછળનું કારણ - અંગત અદાવત કે જૂનો ઝઘડો - તે દિશામાં તપાસ ચાલી રહી છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પરિવારજનોએ હત્યારાઓને ઝડપથી પકડવાની માંગ કરી છે.
