Ahmedabad News: અમદાવાદ શહેરમાં હત્યા,ચોરી અને ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના વાડજમાં પારિવારિક ઝઘડા અને પૈસાની બાબતને પગલે મોટા ભાઈએ જ નાના ભાઈની કાતરના ઘા ઝીંકી દઈને ઘાતકી હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દારુ અને પૈસા બાબતે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો
મળતી માહિતી મુજબ,શહેરના વાડજ વિસ્તારમાં સ્થિત ગાંધીનગરના ટેકરામાં એક પરિવાર રહેતો હતો. જેમાં પરિવારનો નાનો દિકરો 28 વર્ષીય નરેશ ચૌહાણ લાંબા સમયથી બેરોજગાર હતો. આથી પરિવારમાં પૈસાની તંગી રહેતી હતી. જે બાબતને લઈને મોટા ભાઈ રાજુ ચૌહાણને નાના ભાઈ સાથે ઘણી વાર બોલાચાલી થતી હતી.
મોટા ભાઈએ નાના ભાઈ પર હુમલો કર્યો
તેમજ નાનો ભાઈ નરેશ ચૌહાણ બેરોજગારીને લીધે દારુની લતે ચઢી ગયો હતો. તેથી પૈસા અને કામધંધા બાબતે ઘરમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. ઘટનાના દિવસે દારુના નશામાં નરેશ અને મોટા ભાઈ રાજુની વચ્ચે પૈસા અને કામધંધા બાબતે ઝઘડો કરી રહ્યો હતો. ત્યારે બંને ભાઈઓ વચ્ચે વિવાદ ઉગ્ર બની જતાં ઉશ્કેરાટમાં આવીને મોટા ભાઈએ નાના ભાઈ પર કાતર વડે ઘાતકી હુમલો કરી દીધો હતો.
નાના ભાઈ પર કાતર વડે ઘાતકી હુમલો
મોટા ભાઈ રાજુએ નરેશની પીઠ અને પેટના ભાગે કાતરના 7થી 8 ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ નરેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હગતો. જ્યારે આરોપી રાજુ ઘટના સ્થળેથી નાસી ગયો હતો. મૃતકની બહેને જ્યારે ભાઈ નરેશને ઈજાગ્રસ્ત હાલતમાં જોતાં તેણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
આરોપી ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ઘટનાની જાણ થતાં વાડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ગંભીર ઈજાઓથી નરેશનું મોત નિપજ્યું હતું. મૃતકની બહેને પોતાના મોટા ભાઈ રાજુ પર શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે મોટા ભાઈની અટકાયત કરી હતી.
