Bapunagar Suicide Case: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની 27 વર્ષીય પરિણીતા અંકુ દેવીએ કથિત રીતે પતિના ત્રાસથી કંટાળીને એસીડ પી આપઘાત કર્યો છે. પતિ અવારનવાર તેની સાથે મારઝૂડ કરતો અને "તું મને ગમતી નથી, મરી જા" કહીને ત્રાસ આપતો હતો. આ ઘટનાને પગલે બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે પીડિતાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ડાઢાપુર ગામના રહેવાસી તાર બાબુ દોહરેની 27 વર્ષીય દીકરી અંકુ દેવીના લગ્ન વર્ષ 2023માં ઉત્તર પ્રદેશના જ હિસાવાતા ગામના સૌરભ દોહરે સાથે રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ દંપતી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ફકીરદાસની ચાલીમાં રહેવા આવ્યું, જ્યાં સૌરભ છૂટક કલર કામ કરતો હતો. તેમના લગ્ન જીવન દરમિયાન બે બાળકોનો જન્મ થયો હતો.
લગ્ન બાદ સૌરભ અવારનવાર દારૂ પીને ઘરે આવતો અને પોતાની પત્ની અંકુ દેવીને માર મારીને હેરાન-પરેશાન કરતો હતો. પતિના આ અસહ્ય ત્રાસથી કંટાળીને અંકુ દેવી બે વખત પોતાના પિયર જતી રહી હતી. પરંતુ પરિવારજનોની સમજાવટ બાદ તેને ફરીથી પરત મોકલવામાં આવી હતી.
પિયરથી પરત આવ્યા બાદ પણ સૌરભના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને તે દારૂ પીને અવારનવાર અંકુ દેવી સાથે મારઝૂડ કરી ત્રાસ આપતો રહ્યો હતો. આ અંગે અંકુ દેવીએ પોતાના પરિવારજનોને પણ જાણ કરી હતી. બનાવના એક અઠવાડિયા પહેલાં પણ સૌરભે ઘરે આવીને દારૂ પી અંકુ દેવીને ઢોર માર માર્યો હતો.
કંટાળેલી અંકુ દેવીએ પોતાના માતા-પિતાને ફોન કરીને પતિના ત્રાસ અંગે ફરિયાદ કરી હતી. આ અંગે તેના માતા-પિતાએ આશ્વાસન આપતાં કહ્યું હતું કે, "અમે ચાર-પાંચ દિવસમાં આવીને તને લઈ જઈશું". પરંતુ માતા-પિતા આવી પહોંચે તે પહેલાં જ અંકુ દેવીએ સવારના સમયે પોતાના ઘરે એસિડ પી લીધું હતું.
અંકુ દેવીએ એસિડ પી લીધા બાદ તેના પતિ સૌરભે અંકુ દેવીના માતા-પિતાને ફોન કરીને જાણ કરી કે "અંકુ દેવી એસીડ પી લેતા મરી ગઈ છે, જેથી તેને અંતિમવિધિ માટે ઉત્તર પ્રદેશ લાવીએ છીએ." આ સમગ્ર બનાવ અંગે જાણ થતા અંકુદેવીના પિતા તાર બાબુ દોહરે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જમાઈ સૌરભ દોહરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાપુનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાનૂની તપાસ શરૂ કરી છે.
