શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં 1100થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો, હિમાલય-માનસરોવરની દિવ્યતા વચ્ચે ઠાકોરજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

અમદાવાદના શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી 1100થી વધુ વાનગીઓનો મનોહર અન્નકૂટ ધરાવાયો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 10 Nov 2026 06:50 PM (IST)Updated: Tue, 10 Nov 2026 06:50 PM (IST)
baps-shahibaug-ahmedabad-annakut-1100-dishes-and-himalayan-theme

BAPS Shahibaug Ahmedabad Annakut 2026: સનાતન હિંદુ ધર્મ પરંપરા અને સંસ્કૃતિ અનુસાર દીપોત્સવી પર્વ બાદ નૂતન વર્ષના શુભ પ્રારંભે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવાની પ્રાચીન અને પવિત્ર પરંપરા રહી છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ઠાકોરજી ચરણોમાં અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ અવસર સમગ્ર ગુર્જર ધરા પર ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદથી દેશ-વિદેશના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાખો ભક્તો અને સહયોગીઓ ઉમંગભેર સામેલ થયા હતા.

45 દિવસની અવિરત સેવા અને આર્કિટેક્ટસનું ઝીણવટભર્યું આયોજન

અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે ધરાવાયેલો અન્નકૂટ અત્યંત વિશેષ અને મનોહર હતો. આ ભવ્ય અન્નકૂટ મહોત્સવની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી સતત ચાલી રહી હતી. મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સમક્ષ વાનગીઓની ગોઠવણી કોઈ સામાન્ય રીતે નહીં, પરંતુ નિષ્ણાત અને કુશળ આર્કિટેક્ટ્સના માર્ગદર્શન હેઠળ અત્યંત ઝીણવટપૂર્વક કરવામાં આવી હતી. અન્નકૂટમાં મૂકવામાં આવેલી 1100થી વધુ વાનગીઓને તેમના પ્રકાર, આકાર, સંખ્યા અને રંગોના સુમેળ અનુસાર વર્ગીકૃત કરીને ભગવાન સમક્ષ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

naidunia_image

બાળયોગી નીલકંઠ વર્ણીની હિમાલય યાત્રાનું પ્રતીકાત્મક સુશોભન

આ વર્ષના અન્નકૂટ સુશોભનમાં એક અદ્ભુત અને પ્રેરણાદાયી થીમ જોવા મળી હતી. ખુલ્લા પગે અને ખુલ્લા શરીરે માત્ર 7 વર્ષની નાની વયે ભારતીય ઉપખંડની પવિત્ર ભૂમિ પર 12,800 કિમીની કઠિન પદયાત્રા કરનાર બાળયોગી નીલકંઠ વર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની સ્મૃતિ સ્મરણ કરવામાં આવી હતી. આસમાનને આંબતી હિમાલયની બર્ફીલી પહાડીઓ પર એકલપંડે વિચરણ કરી પવિત્ર તીર્થ માનસરોવરની યાત્રા કરનાર નીલકંઠ વર્ણીની આ સ્મૃતિમાં હિમાલયના બરફાચ્છાદિત શિખરો, પવિત્ર માનસરોવર અને તેમાં નિર્દોષભાવે વિહરતા રાજહંસોનું પ્રતીકાત્મક સુંદર સુશોભન અન્નકૂટની બરાબર આગળ રચવામાં આવ્યું હતું.

સેંકડો હરિભક્તો અને 1500થી વધુ મહિલાઓનું ભક્તિસભર શ્રમદાન

આ વિરાટ આયોજનને સફળ બનાવવા માટે સંતોની સાથે સમગ્ર અમદાવાદ શહેરના હરિભક્તોએ અપ્રતિમ સેવા આપી હતી. છેલ્લા એક મહિનાથી સેવા યજ્ઞમાં જોડાયેલા સેંકડો યુવકો અને વડીલ પુરુષ હરિભક્તો ઉપરાંત 1500થી વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તોએ દિવસ-રાત જોયા વગર દિવાળી તેમજ અન્નકૂટને લગતી વિવિધ સેવાઓમાં પોતાનું ભક્તિસભર શ્રમદાન આપ્યું હતું. સ્ત્રી-પુરુષ સહુકોઈની આ નિષ્કામ સેવાની ઝલક અન્નકૂટની ભવ્યતા અને વ્યવસ્થામાં સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.

naidunia_image

ગરીબો અને જરૂરિયાતમંદોમાં કરાશે અન્નકૂટ પ્રસાદનું વિતરણ

BAPS સંસ્થાની પરંપરા મુજબ અન્નકૂટ પૂર્ણ થયા બાદ આ પવિત્ર મહાપ્રસાદ માત્ર દર્શનાર્થીઓ પૂરતો સીમિત નહીં રહે. મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો અને ભાવિકો ઉપરાંત અમદાવાદ શહેરના અન્ય નાના-મોટા મંદિરોમાં તથા શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી આ પ્રસાદ પહોંચાડવામાં આવશે, જેથી સમાજના છેવાડાના માનવી સુધી ભગવાનનો પ્રસાદ પહોંચી શકે અને તેઓ પણ આ પર્વની ખુશીઓમાં સહભાગી બની શકે.

naidunia_image

'મહંત સ્વામી મહારાજના પરોપકારી પત્રો' પ્રદર્શનીનું આકર્ષણ

અન્નકૂટ દર્શનની સાથે સાથે મંદિરમાં એક વિશેષ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિ અને માનવતાના અજવાળાં પ્રસરાવી રહેલાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વૈશ્વિક અને પરોપકારી કાર્યોને ઉજાગર કરતી 'મહંત સ્વામી મહારાજના પરોપકારી પત્રો' નામની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. દર્શનાર્થે આવેલા લાખો ભક્તોએ અન્નકૂટ દર્શનની સાથોસાથ આ પ્રદર્શનીનો લાભ લઈ ધન્યતા અને આત્મશાંતિનો અનુભવ કર્યો હતો.

naidunia_image