Ayushman Card Rules 2026: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર મેળવતા લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી આ કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં જે સામાન્ય સર્જરી અને સારવાર કરાવી શકાતી હતી. તેમાંથી મોટા ભાગની સારવાર હવે માત્ર સરકારી હોસ્પિટલો પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી છે. નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા રાજ્યોને અપાયેલી સૂચના પ્રમાણે, આગામી 1 ડિસેમ્બર 2026થી કુલ 112 પ્રકારની સારવાર ખાનગી હોસ્પિટલોમાંથી બંધ કરીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ આપવાની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.
નિર્ણય પાછળ સરકારનો ઉદેશ્ય?
આયુષ્માન યોજના હેઠળ માત્ર 23 પ્રકારની સારવાર જ સરકારી હોસ્પિટલો માટે અનામત હતી. તે સિવાયની સારવાર દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં કરાવતા હતા. જેનો ખર્ચ સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને ચૂકવવામાં આવતો. પરંતુ હવે આ યાદીમાં 89 સારવારનો ઉમેરો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી આરોગ્ય માળખાનો મહતમ ઉપયોગ કરવાનો અને ખાનગી હોસ્પિટલોમાં થતાં બિનજરુરી ક્લેમ કે ખર્ચને નિયંત્રિત કરવાનો મનાય છે.
સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ વધે તેવી ભીતિ
સરકારના આ નિર્ણયની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. મોતિયાનું ઓપરેશન, હાડકાનું ફ્રેક્ચર, હાઇ રિસ્ક ડિલિવરી, મેલરિયા અને બાયોપ્સી જેવી રોજિંદા જીવનમાં વધુ જરુર પડતી સારવારો હવે ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હેઠળ નહીં મળે. પરિણામે, દર્દીઓનો સીધો ધસારો સિવિલ અને જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો તરફ વળશે.
નવી દરખાસ્ત મુજબ નીચેના વિભાગોની મહત્વની સારવાર હવે ખાનગી હોસ્પિટલોમાં નહીં મળે:
- આંખના રોગો: મોતિયાનું ઓપરેશન અને ગ્લુકોમાની સારવાર.
- સ્ત્રીરોગ:ગર્ભાશય કાઢવાનું ઓપરેશન અને હાઈ રિસ્ક ડિલિવરી.
- હાડકાં:તમામ પ્રકારના ફ્રેક્ચરની સારવાર અને તેને લગતી પ્રક્રિયાઓ.
- જનરલ સર્જરી:બાયોપ્સી, સિસ્ટ (ગાંઠ) અને ફિસ્ટુલા દૂર કરવાના ઓપરેશન.
- લિવર અને અન્ય બીમારીઓ:હેપેટાઈટિસ, લિવરની બીમારી, ગંભીર એનિમિયા, મેલેરિયા, ચિકનગુનિયા, પેનક્રિયાટાઈટિસ અને બ્રોન્કાઈટિસ.
