PM MODI: ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે છે. બંને વચ્ચે હાલ 4 ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ બંને ટેસ્ટમાં ભારતે જીત મેળવી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી છે. ત્રીજી મેચમાં ભારતની હાર થઈ છે, તે જોતા ચોથી અને અંતિમ ટેસ્ટ નિર્ણાયક સાબિત થશે. આ મેચ જોવા નરેન્દ્ર મોદી(Narendra Modi) પણ અમદાવાદ આવવાના છે. તેઓ 8 માર્ચે અમદાવાદ પહોંચશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનિસ(Anthony Albanese) પણ હાજરી આપશે. મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી આ મેચમાં કોમેન્ટ્રી કરે તેવી પણ સંભાવનાઓ છે.
8 માર્ચે અમદાવાદ આવશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિસ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 8થી 11 માર્ચ સુધી ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ, સંસાધન અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાના મંત્રી મેડેલીન કિંગ અને એક ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ હશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ધુળેટીના દિવસે 8મી માર્ચે અમદાવાદ પહોંચશે. દિલ્હી પહોંચતા પહેલા તેઓ 9 માર્ચે મુંબઈ પણ જશે. આ વચ્ચે તેઓ 9 તારીખે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની મેચ પણ નિહાળશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તે પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. આ સિવાય પીએમ મોદી અને પીએમ અલ્બાનિસ પણ સહયોગના ક્ષેત્રો પર ચર્ચા કરવા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન અલ્બાનિસ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.
પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે અલ્બાનિસ
ગયા વર્ષે મે મહિનામાં વડાપ્રધાન બન્યા બાદ અલ્બાનિસની આ પ્રથમ ભારત મુલાકાત હશે. તેમની મુલાકાત અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિસે કહ્યું કે, વડાપ્રધાન તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત હશે. હું ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું. ભારત સાથેના અમારા સંબંધો મજબૂત છે, પરંતુ વધુ મજબૂત બની શકે છે. તે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. આ અમારા સંરક્ષણ, આર્થિક અને તકનીકી હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
અમદાવાદ ખાતેની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન
અમદાવાદ ખાતે ભારતીય ટીમ 1983થી લઈને અત્યારસુધીમાં કુલ 14 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતે 6 ટેસ્ટ જીતી છે, 2 ગુમાવી છે તો 6 ડ્રો રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારેય ટેસ્ટ રમાઈ નથી. અહીં બંને દેશ પહેલીવાર ટકરાશે.
