Ahmedbaad News: શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના 26 બ્રિજ સાથે જોડાયેલા રીંગ રોડ પરથી રોજ પસાર થતાં 1.35 લાખ વાહન ચાલકો માટે ટ્રાફિક અને સીંગ્નલ મુક્ત બનશે. હાલ એક હજાર કરોડથી વધુ રકમના 10 ઓવરબ્રિજ અને એક અન્ડર પાસ બની રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમને જોડતો રીંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વનો બની રહેશે. બહારથી આવનાર વાહન ચાલકો સીધા બાયપાસ જઇ શકશે.
રીંગ રોડને ટ્રાફિક મુક્ત કરવા માટે ઔડાએ 2014થી કમર કસી હતી. બજેટને ધ્યાનમાં રાખી પ્રતિવર્ષ ઓવરબ્રિજનું આયોજન કરાતું હતું. રીંગ રોડ પરથી રોજ ટુવ્હીલર, થ્રી વ્હીલર, લાઈટ મોટર વ્હીકલર્સ અને કોમર્શીયલ વ્હીકલ મળી અંદાજે 1.35 લાખથી વધુ વાહનોની અવરજવર છે. રીંગ રોડ પર હયાત જંકશનો, હાઇવે અને રેલ્વે લાઈન પર કુલ 10 જેટલા ફલાય ઓવરબ્રિજ બે રિવર ઓવરબ્રિજ, બે રેલ્વે ઓવરબ્રિજ, બે અન્ડરપાસનું નિર્માણ કરાયું છે. એક ફૂટ ઓવરબ્રિજ પણ છે. હાલમાં રીંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર છ માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડના નવા દસ ફલાય ઓવર અને એક અન્ડર બ્રિજ બની રહ્યા છે. વાહન ચાલકોના ઈંધણ અને સમયની બચત થશે.
