Ahmedabad News:ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવનચરિત્ર 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈ'ના ગુજરાતી અનુવાદનો વિમોચન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝાના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે આનંદીબહેન પટેલની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવતા જણાવ્યું હતું કે આનંદીબહેનનું જીવન સંઘર્ષશક્તિના બળ પર આગળ વધવાની એક પ્રેરણાદાયી ગાથા છે. આ પુસ્તકમાં તેમની જીવનયાત્રાના પ્રેરણાબિંદુઓનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આનંદીબહેને જાહેર જીવનમાં તેમના સંઘર્ષ અને મજબૂત નેતૃત્વ થકી સંગઠન નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આનંદીબહેનનું આ પુસ્તક અનેક વાચકોના જીવનમાં પ્રેરણા આપવાનું કામ કરશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પોઝિશન માટે નહિ પરંતુ પર્પઝ માટે કામ કરનારા નેતાઓમાંના એક આનંદીબહેન છે. તેઓ જનહિત માટે એકસૂત્ર સાથે કામ કરતાં રહ્યાં છે. આનંદીબહેને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, સંસદ સભ્ય અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી છે. નિમ્ન અને મધ્યમ વર્ગના સામાન્ય પરિવારમાંથી આવતા આનંદીબહેન પટેલ લોકો માટે સતત સંઘર્ષ કરીને આગળ વધ્યાં છે. શિક્ષકથી લઈને સર્વોચ્ચ પદ સુધીની તેમની યાત્રા ભારતીય નારીશક્તિની દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
અમિત શાહે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેનની સક્રિયતાની પ્રશંસા કરીને જણાવ્યું કે 85 વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી આનંદીબહેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યાં છે, જે સૌના માટે ગૌરવનો વિષય છે. તેમના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થા અને સમાજ જીવનમાં ગુણાત્મક સુધારો લાવવાના પ્રયાસો થયા છે. તેમના પરિશ્રમથી ઉત્તર પ્રદેશની લગભગ બધી જ યુનિવર્સિટીઓએ યુજીસી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.
