AMTS Ahmedabad: ભાઈ અને બહેનના અવિચળ પ્રેમ તેમજ સ્નેહના પ્રતીકસમા રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદ શહેરની મહિલાઓ અને બાળકો સુગમતાથી મુસાફરી કરી શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એક મોટી અને રાહતરૂપ જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે શહેરભરમાં દોડતી AMTS બસોમાં બહેનો અને બાળકો માટે મુસાફરી સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવી છે.
સમગ્ર દિવસ દરમિયાન મળશે સેવા
તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રક્ષાબંધનના દિવસે વહેલી સવારે શિડ્યુલ મુજબ શરૂ થતી પ્રથમ બસથી લઈને મોડી રાત્રે રૂટ પૂર્ણ કરતી આખરી બસ સુધી આ યોજના લાગુ રહેશે. એટલે કે બહેનો અને બાળકો દિવસ દરમિયાન ગમે ત્યારે અને ગમે તે રૂટ પર ટિકિટના પૈસા આપ્યા વિના સફર કરી શકશે.
તંત્રનો હેતુ અને ગત વર્ષનો પ્રતિસાદ
AMTS કમિટીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ મહિલાઓ અને બાળકો પોતાના પરિવાર તથા ભાઈના ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે આ સુવિધા આપવામાં આવી છે. આ નિર્ણયથી બહેનો પરિવહન ખર્ચની ચિંતા કર્યા વગર આનંદપૂર્વક તહેવારની ઉજવણી કરી શકશે. ગત વર્ષે (2025) આ મફત પ્રવાસ યોજનાનો લાભ 71,000થી વધુ મહિલાઓએ લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ તમામ રૂટ પર જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
