ધારાસભ્ય હીરા સોલંકી આવ્યા શ્રમિક પરિવારની વ્હારે, શ્વાન કરડતાં દર્દથી કણસતા બાળકને રાજકોટ હોસ્પિટલ પહોંચાડ્યો, સારવારનો ખર્ચ ઉપાડશે

હીરા સોલંકી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે લોકોનું ટોળું અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારને રડતો જોયો હતો. તપાસ કરતા આ મજૂર પરિવારના બાળકને શ્વાન કરડ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 08 Feb 2026 04:25 PM (IST)Updated: Sun, 08 Feb 2026 04:25 PM (IST)
amreli-news-mla-hira-solanki-helps-dog-bite-victim-child-takes-him-to-rajkot-hospital

Amreli News: ધારાસભ્ય હીરા સોલંકીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટ નજીક એક શ્વાન કરડેલા પરપ્રાંતીય બાળક અને તેના પરિવારજનોને રસ્તા પર લાચાર સ્થિતિમાં જોઈને તેમણે પોતાનો કાફલો રોક્યો હતો. બાળકને સારવારના પૈસા ન હોવાથી મુશ્કેલી પડી રહી હતી. હીરા સોલંકીએ તાત્કાલિક બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી અને તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ પોતે ઉઠાવવાની ખાતરી આપી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હીરા સોલંકીના આ સેવાભાવી કાર્યની સરાહના થઈ રહી છે, જેમણે ભૂતકાળમાં પણ અનેક આવા પ્રશંસનીય કાર્યો કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હીરા સોલંકી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે લોકોનું ટોળું અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારને રડતો જોયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ મજૂર પરિવારના બાળકને શ્વાન કરડ્યું હતું. બાળકની હાલત ગંભીર હતી, પરંતુ પરિવાર પાસે સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નહોતા અને તેઓ નિરાશ થઈને રસ્તા પર બેઠા હતા.

પરિવારની વેદના જોઈને હીરા સોલંકીએ તાત્કાલિક નિર્ણય લીધો અને બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરી આપી. તેમણે ત્યાંથી પસાર થતી એસ.ટી. બસને રોકાવી અને કંડક્ટરને બંનેની ટિકિટના પૈસા ચૂકવ્યા હતા. એટલું જ નહીં, તેમણે બાળક અને તેના પરિવારને ખાતરી આપી હતી કે રાજકોટમાં સારવારનો જે પણ ખર્ચ થશે તે પોતે ભોગવશે.

હીરા સોલંકીએ રાજકોટમાં પોતાના માણસોને પણ સૂચના આપી દીધી હતી કે આ પરિવાર ત્યાં પહોંચે એટલે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરવામાં આવે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રાજકીય ટીકા-ટિપ્પણીઓ વચ્ચે ધારાસભ્યનું આ સેવાકીય કાર્યની પ્રસંશા કરવામાં આવી રહી છે.