ભારતીય રેલવેમાં ક્રાંતિ! અમિત શાહે દેશને સોંપી પહેલી LNG ટ્રેન અને કરોડોની આધુનિક પરિયોજનાઓ, જાણી લો ખાસિયતો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતી ખાતે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેન, WAG-12 લોકોમોટિવ શેડ અને વિવિધ રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. જાણો સંપૂર્ણ વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 27 Sep 2026 10:00 PM (IST)Updated: Sun, 27 Sep 2026 10:00 PM (IST)
amit-shah-unveils-indias-first-lng-train-sabarmati-rail-projects

Amit Shah Railway Projects Sabarmati: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે સાબરમતી ખાતે ભારતીય રેલવેની વિવિધ મહત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કર્યો હતો. આ પરિયોજનાઓથી રેલવે સુરક્ષા, સંચાલન ક્ષમતા, માલ પરિવહન, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રાદેશિક કનેક્ટિવિટીને નવી મજબૂતી મળશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ અને LNG ટ્રેનનો શુભારંભ

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ₹700 કરોડના ખર્ચે સાબરમતી ખાતે વિકસાવવામાં આવેલા અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ કર્યું અને WAG-12 ઇલેક્ટ્રિક એન્જિનને લીલી ઝંડી બતાવી રવાના કર્યું. આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા ભારતની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને પણ લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો.

WAG-12 એ 12,000 હોર્સપાવરની ટ્વિન-સેક્શન ક્ષમતા ધરાવતું ઉચ્ચ ક્ષમતાવાળું ઇલેક્ટ્રિક માલવાહક લોકોમોટિવ છે, જે ભારે અને લાંબી માલગાડીઓના સંચાલનને વધુ અસરકારક બનાવશે.

રેલવે લાઈન ડબલિંગ અને સિગ્નલિંગ સિસ્ટમનું લોકાર્પણ તથા શિલાન્યાસ

રેલવે નેટવર્કને વધુ સક્ષમ બનાવવા માટે અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરાયું-

સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ: સાબરમતી–સાણંદ–જખવાડા તથા સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ રેલખંડ પર 122.57 કિલોમીટરમાં આ સિસ્ટમનું લોકાર્પણ કરાયું.

કવચ (Kavach) સિસ્ટમ: અમદાવાદ–પાલનપુર (157 કિમી) અને અમદાવાદ–સામાખિયાળી (247 કિમી) રેલખંડ પર કુલ 404 કિલોમીટરમાં સ્વદેશી 'કવચ' સુરક્ષા પ્રણાલીનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

ડબલિંગ કાર્ય: સાબરમતી–સરખેજ રેલવે લાઇનના ડબલિંગનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો.

રેલવેમાં આધુનિકીકરણ અને આત્મનિર્ભર ભારતની પહેલ

આ પ્રસંગે પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષ 2014 પછી ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ આધુનિકીકરણ આવ્યું છે.

રેલવે માર્ગોના વિદ્યુતીકરીણમાં જબરદસ્ત વધારો થયો છે અને આજે દેશનું આશરે 99.6% રેલવે નેટવર્ક વિદ્યુતીકૃત થઈ ચૂક્યું છે.

વર્ષ 2030 સુધીમાં રેલવેમાં ડીઝલનો વપરાશ સંપૂર્ણપણે શૂન્ય (Zero Diesel Consumption) કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રેલવે સુરક્ષા બજેટમાં 67%નો વધારો કરવામાં આવ્યો છે તેમજ 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત લોકોમોટિવ્સનું નિર્માણ દેશમાં જ થઈ રહ્યું છે.

સાબરમતી સ્ટેશન હવે મેટ્રો રેલ, એસટી બસ સ્ટેન્ડ અને ભવિષ્યની હાઈ-સ્પીડ રેલ સેવાઓ સાથે મજબૂત કનેક્ટિવિટી પ્રદાન કરશે.

ગુજરાતમાં રેલવે બજેટ અને વિકાસ કાર્યો

ગુજરાતમાં રેલવેના વિકાસ અંગે વાત કરતાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2014 પહેલાંના પાંચ વર્ષમાં ગુજરાત માટે રેલવેનું બજેટ માત્ર ₹589 કરોડ હતું, જે વધીને વર્ષ 2026-27માં ₹17,366 કરોડ પહોંચ્યું છે. આ વિશાળ રોકાણને કારણે રાજ્યમાં નવી રેલવે લાઈનો, ડબલિંગ અને મુસાફરોની સુવિધાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

રેલવે અધિકારીઓનું પ્રતિભાવ

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે વંદે ભારત, નમો ભારત અને હાઇડ્રોજન ટ્રેન જેવી આધુનિક ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે. ₹700 કરોડના ખર્ચે બનેલો WAG-12 શેડ અને 'કવચ' જેવી સ્વદેશી સુરક્ષા પ્રણાલીઓ (Safety Integrity Level-4 પ્રમાણિત) અમદાવાદ મંડળની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ઉપસ્થિત મહાનુભાવો

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીશ્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.