Ahmedabad News: બહેનો માટે ખુશખબર! હવે રસ્તા પર નહીં પડે કોઈ તકલીફ, AMC લઈને આવી રહ્યું છે આ હાઈટેક સુવિધા

વર્લ્ડ ટોઇલેટ ડે નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય. રૂ. 5.77 કરોડના ખર્ચે શહેરના તમામ ઝોનમાં 19 નવા પિંક ટોઇલેટ બનશે, જાણો શું હશે ખાસ સુવિધા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 19 Nov 2026 03:00 AM (IST)Updated: Thu, 19 Nov 2026 03:00 AM (IST)
amc-to-build-19-new-pink-toilets-for-women

Ahmedabad Pink Toilet: મહિલાઓ જ્યારે ઘરની બહાર નોકરી, અભ્યાસ કે ખરીદી અર્થે નીકળે છે ત્યારે જાહેર સ્થળોએ સ્વચ્છ અને સુરક્ષિત શૌચાલયનો અભાવ સૌથી મોટી સમસ્યા બની રહે છે. ખાસ કરીને નાના બાળકો સાથે મુસાફરી કરતી માતાઓ માટે જાહેર જગ્યાએ બાળકને સ્તનપાન કરાવવું કે ડાયપર બદલવું ખૂબ જ સંકોચજનક અને મુશ્કેલ બનતું હોય છે. શહેરની મહિલાઓની આ પાયાની જરૂરિયાત અને સંવેદનાને સમજીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 19 નવેમ્બર એટલે કે 'વર્લ્ડ ટોઇલેટ ડે' નિમિત્તે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં વધુ 19 આધુનિક 'પિંક ટોઇલેટ' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં અમદાવાદ શહેરમાં અગાઉથી જ 16 પિંક ટોઇલેટ સફળતાપૂર્વક કાર્યરત છે, જેનો હજારો મહિલાઓ નિયમિત લાભ લઈ રહી છે. તેની સફળતા અને વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે અંદાજિત રૂ. 5.77 કરોડના ખર્ચે નવા 19 પિંક ટોઇલેટ ઊભા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાશે, તેમણે એક વર્ષની સમયમર્યાદામાં આ તમામ શૌચાલયોનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

શહેરના કયા ઝોન અને વિસ્તારમાં બનશે નવા પિંક ટોઇલેટ?

કોર્પોરેશન દ્વારા શહેરના કોઈ એક વિસ્તારને બદલે તમામ 6 ઝોનને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે, જેથી દરેક ખૂણે રહેતી મહિલાઓને તેનો લાભ મળી શકે.

ઝોનનું નામ કુલ સંખ્યા પસંદ કરાયેલા વિસ્તારો
ઉત્તર ઝોન 6 સૈજપુર, નરોડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર અને કુબેરનગર
દક્ષિણ ઝોન 4 લાંભા, વટવા, દાણીલીમડા અને ઇસનપુર
પૂર્વ ઝોન 3 અમરાઈવાડી, નિકોલ અને વસ્ત્રાલ
મધ્ય ઝોન 3 અસારવા, શાહપુર અને જમાલપુર
પશ્ચિમ ઝોન 2 સાબરમતી અને નવરંગપુરા
ઉત્તર પશ્ચિમ ઝોન 1 ગોતા

માત્ર શૌચાલય નહીં, મહિલાઓ માટે સંપૂર્ણ સુવિધા કેન્દ્ર

આ પિંક ટોઇલેટ સામાન્ય જાહેર શૌચાલયો કરતાં તદ્દન અલગ અને આધુનિક હશે. તેમાં મહિલાઓની દરેક નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

માતા અને બાળક માટે ખાસ વ્યવસ્થા: દરેક પિંક ટોઇલેટમાં અલગથી 'બેબી ફીડિંગ રૂમ' અને 'બેબી ડાયપર ચેન્જિંગ રૂમ' તૈયાર કરાશે, જેથી માતાઓને પ્રાઇવસી મળી રહે.

હાઈજીન અને નિકાલની સુવિધા: મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે. આ ઉપરાંત વપરાયેલા સેનેટરી પેડનો વૈજ્ઞાનિક ઢબે અને સુરક્ષિત રીતે નાશ કરવા માટે 'ઇન્સિનરેટર' મશીન પણ લગાવવામાં આવશે.

દિવ્યાંગ બહેનો માટે સુગમતા: દિવ્યાંગ મહિલાઓને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ સુલભ ટોઇલેટ અને રેમ્પ સહિતની સહાયક સુવિધાઓ પણ ઊભી કરાશે.

સ્વચ્છતા અને સુરક્ષા માટે 5 વર્ષની જવાબદારી નક્કી કરાઈ

મોટાભાગે જાહેર શૌચાલયો બન્યા બાદ તેની જાળવણીના અભાવે તે બિનઉપયોગી બની જતા હોય છે. પરંતુ આ પ્રોજેક્ટમાં AMC દ્વારા કડક નિયમો રાખવામાં આવ્યા છે. દરેક પિંક ટોઇલેટમાં પાણીની નિયમિત ઉપલબ્ધતા, સફાઈ અને દેખરેખ માટે ખાસ મહિલા કેરટેકરની નિમણૂક કરવામાં આવશે, જેનાથી મહિલાઓ નિર્ભયપણે તેનો ઉપયોગ કરી શકે. વધુમાં, જે એજન્સી કે કોન્ટ્રાક્ટર આ ટોઇલેટનું બાંધકામ કરશે, તેમણે જ આગામી 5 વર્ષ સુધી તેના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (O&M) એટલે કે સંચાલન, નિયમિત સફાઈ અને રિપેરિંગની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની રહેશે.

આ પહેલથી અમદાવાદના જાહેર સ્થળોએ મહિલાઓ માટે વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ ઊભું થશે.