Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ સામે AMCએ લીધું એક્શન, શરત ભંગ, ગેરકાયદે બાંધકામ અને ટ્રસ્ટની જમીન કંપનીને આપવા મામલે આપી 'શો કોઝ' નોટિસ

વિદ્યાર્થીની હત્યાના મામલે ચર્ચામાં રહેલી આ સ્કૂલના સંચાલકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગે 99 વર્ષના ભાડાપટ્ટાની શરતોના ભંગ બદલ શો કોઝ નોટિસ ફટકારી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 16 Nov 2025 09:20 AM (IST)Updated: Sun, 16 Nov 2025 09:20 AM (IST)
amc-serves-show-cause-notice-to-seventh-day-school-for-illegal-construction-and-trust-land-transfer-violations
HIGHLIGHTS
  • સંચાલકોને આગામી 21 નવેમ્બર, 2025 સુધીમાં આ તમામ મામલે સત્તાવાર ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
  • નિર્ધારિત સમયમાં સંતોષકારક જવાબ નહીં મળે તો લીઝ કરાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) વધુ એક ગંભીર મુશ્કેલીમાં સપડાઈ છે. તાજેતરમાં વિદ્યાર્થીની હત્યાના મામલે ચર્ચામાં રહેલી આ સ્કૂલના સંચાલકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એસ્ટેટ વિભાગે 99 વર્ષના ભાડાપટ્ટા (લીઝ ડીડ)ની શરતોના ભંગ બદલ શો કોઝ નોટિસ ફટકારી છે. સંચાલકોને આગામી 21 નવેમ્બર, 2025 સુધીમાં આ તમામ મામલે સત્તાવાર ખુલાસો કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં સંતોષકારક જવાબ નહીં મળે તો લીઝ કરાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ઉલ્લંઘનોની વિગતો

AMCની તપાસમાં સેવન્થ ડે સ્કૂલ દ્વારા કરવામાં આવેલા અનેક ગંભીર શરત ભંગ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આવી છે. સ્કૂલ પ્રિમાઈસીસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન લીધા વિના જ 7 માળનું બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીના આવાસો (હોસ્ટેલ), સોસાયટીની ઓફિસ, અને ત્રીજા માળે ચર્ચ પણ આવેલું છે, જે લીઝની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. વળી, અહીં 10 યુનિટ માટે રેરા (RERA) માંથી પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

લીઝ પર આપવામાં આવેલી જમીન AMCની મંજૂરી વિના જ કંપનીને આપી દેવામાં આવી છે. જે સંસ્થાના નામે લીઝ પર જમીન ફાળવવામાં આવી છે, તેના બદલે અન્ય સંસ્થાઓ દ્વારા શિક્ષણ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પુણે ખાતે નોંધાયેલી એશ્લોક એજ્યુકેશન સોસાયટી દ્વારા. સેકન્ડરી/હાયર સેકન્ડરી/કોલેજ શિક્ષણ: ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવન્ટિસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુસન્સ તથા તેની સંલગ્ન કોલેજો દ્વારા.

AMCની ચેતવણી

એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે, સ્કૂલ સંચાલકો જો ૨૧ નવેમ્બર, ૨૦૨૫ સુધીમાં યોગ્ય ખુલાસો કે રજૂઆત નહીં કરે, તો તેઓ શરતોના ભંગ બદલ જવાબ આપવા માંગતા નથી તેવું માની લેવામાં આવશે. ત્યારબાદ પ્લોટની ફાળવણી અને ભાડા પટ્ટાના કરારને રદ કરવાની આખરી કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આટલા ગંભીર ઉલ્લંઘનો હોવા છતાં AMC દ્વારા કોઈ નોટિસ આપવામાં નહોતી આવી, જે એક વિવાદનો મુદ્દો છે.