Ahmedabad News: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધતી જઈ રહી છે. ત્યારે રસ્તા પર વેચતા ફેરિયા અને શાકભાજી વેચતાં લોકોને લીધે રસ્તા પર ઘણીવાર ટ્રાફિકની સ્થિતિ સર્જાતી હોય છે. આ સમસ્યાને ઉકેલવા માટે અમદાવાદ મનપાની એસ્ટેટ શાખાએ જાહેર માર્ગ પર શાકભાજી કે ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.
કયા કયા વિસ્તારોમાં કાર્યવાહી
મનપાની એસ્ટેટ શાખા દ્વારા મંગળવારના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ પર ભરાતા શાકમાર્કેટમાં તપાસ કરાઈ હતી. જેમાં રસ્તા પર શાકભાજી વેચાણ કરતાં ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરતાં તેમની લારીઓ અને સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદના નરોડા, ખોડિયારનગર, ચાણક્યપુરી, રાણીપ, જમાલપુર, કાલુપુર જેવા વિવિધ શાકમાર્કેટોમાં એસ્ટેટ શાખાએ દરોડો પાડતાં દોડધામ મચી ગઈ હતી.
શું છે મનપાની યોજના
મનપાએ પહેલા જ દિવસમાં 37 લારીઓ કબ્જે કરી લીધી હતી. મનપાએ અગાઉ પણ દરેક વોર્ડદીઠ 2થી 3 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કર્યું હતુ. પરંતુ ફેરિયાઓ નવી માર્કેટમાં બેસવાને બદલે રોડ પર જ શાકભાજી વેચે છે. આથી નવી બનાવેલી શાકમાર્કેટ ખાલી રહે છે. જેથી મનપાની આ યોજના કારગત નિવડી નથી. AMC દ્વારા શહેરના વિસ્તારોમાં 32 નવી માર્કેટો બનાવવાનું આયોજન કરાયું છે.
શાકભાજી વિક્રેતાઓએ કર્યો આક્ષેપ
જ્યારે હાલના તબક્કે 12 શાકભાજી માર્કેટો કાર્યરત છે. જ્યારે 18 નવી શાક માર્કેટો તૈયાર થઈ રહી છે. બીજી બાજુ મનપાની કામગીરી સામે ફેરિયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, શાક માર્કેટમાં તેમને પહેલા જગ્યા ફાળવો અને પછી લારીઓ હટાવો. તેમણે આક્ષેપ કર્યો કે, માર્કેટમાં તેમને બેસવાની જગ્યા મળતી નથી. જોકે, એસ્ટેટ શાખાએ સામાન અને લારીઓ જપ્ત કરી પરંતુ સાંજના સમયે ફરીથી ફેરીયાઓ રોડ પર પથારા લગાવીને શાકભાજીનું વેચાણ શરુ કરી દીધું હતું.
