અમદાવાદમાં રિડેવલપમેન્ટનો ધમધમાટ: 276 સોસાયટીને મંજૂરી, 16 હજારથી વધુ નવા મકાન બનશે

અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ 100 જેટલી સોસાયટીની રિડેવલપમેન્ટ અરજી હાલ પ્રક્રિયા હેઠળ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 21 Oct 2026 08:36 AM (IST)Updated: Wed, 21 Oct 2026 08:36 AM (IST)
amc-redevelopment-policy-approved-ahmedabad-276-societies-and-16209-new-homes

Ahmedabad Redevelopment Policy: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 276 સોસાયટીઓને રિડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી શહેરમાં 16,209 નવા રહેણાંક મકાન તેમજ 1,339 કોમર્શિયલ યુનિટનું નિર્માણ થશે. AMC દ્વારા મંજૂર રિડેવલપમેન્ટ અરજીમાં પાલડી વિસ્તારની સૌથી વધુ 46 સોસાયટી અને મેમનગર વિસ્તારની 37 સોસાયટીનો સમાવેશ થાય છે.

નવા બનનાર કોમર્શિયલ એકમોની વાત કરીએ તો વાડજ વિસ્તારમાં સૌથી વધુ 244, ચાંદલોડિયામાં 217, નારણપુરામાં 182 અને પાલડીમાં 163 યુનિટ્સ તૈયાર થવાના છે. બીજી તરફ, ગુજરાત હાઉસિંગ બોર્ડની 27થી વધુ સોસાયટીઓ પણ રિડેવલપમેન્ટ યોજના હેઠળ નવી તૈયાર થઈ રહી છે.

ખાસ કરીને સોલા સહિતના અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. હાઉસિંગ બોર્ડની નવી નીતિ અમલમાં આવ્યા બાદ આવનારા સમયમાં વધુ કેટલીક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ 100 જેટલી સોસાયટીની રિડેવલપમેન્ટ અરજી હાલ પ્રક્રિયા હેઠળ છે. છેલ્લા દોઢ વર્ષના સમયગાળામાં જ શહેરની 98 સોસાયટીને રિડેવલપમેન્ટ માટે પરવાનગી આપવામાં આવી છે. શહેરમાં મધ્ય ભાગમાં મોટી સંખ્યામાં ગગનચુંબી ઇમારતો વધવાની સાથે રહેણાંક યુનિટો માટે જરૂરી યુટિલિટી સુવિધાઓ ઉભી કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક મોટો પડકાર બની રહેશે.