AMC Health Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ કડીરૂપે થલતેજ વોર્ડમાં આવેલ થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)ના ત્રીજા માળે અંદાજિત રૂ. 10 લાખના ખર્ચે એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવા ફિઝિયોથેરાપી સેન્ટરનું વિધિવત લોકાર્પણ ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 9:00 વાગ્યે શીલજ ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં અમદાવાદના માનનીય મેયર હિતેશભાઈ બારોટના વરદ હસ્તે કરવામાં આવશે.
સ્થાનિક નાગરિકોને કઈ કઈ બીમારીઓ માટે મળશે સારવાર?
થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે શરૂ થઈ રહેલા આ નવા ફિઝિયોથેરાપી સેન્ટરથી થલતેજ અને આસપાસના વિસ્તારના રહીશોને મોંઘા ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે. આ સેન્ટરમાં વિવિધ શારીરિક તકલીફો માટે તજજ્ઞો દ્વારા પુનર્વસન (રિહેબિલિટેશન) અને સારવાર પૂરી પાડશે.
હાડકાં અને મણકાની સમસ્યાઓ: ગરદન તથા કમરના મણકાના દુખાવા અને હાડકાંના ઘસારાને લગતી તકલીફો.
ન્યુરોલોજીકલ અને પેરાલિસિસ: પેરાલિસિસ (લકવો), શરીરનું સંતુલન જાળવવાની તથા હલનચલન વચ્ચેના સંકલનની સમસ્યાઓ.
ઇજા અને ફ્રેક્ચર બાદની સારવાર: ફ્રેક્ચર પછીની રિકવરી, રમતગમત (Sports Injuries) દરમિયાન થયેલી ઇજાઓ અને ફ્રોઝન શોલ્ડર.
પોસ્ટ-કોવિડ રિકવરી: કોવિડ-19 બાદ શરીરમાં જણાતી નબળાઈ અને શારીરિક તકલીફો માટે ખાસ થેરાપી.
સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય હેતુ નાગરિકોને પોતાના નિવાસસ્થાનની નજીક જ શ્રેષ્ઠ અને સસ્તી આરોગ્ય સવલતો ઉપલબ્ધ કરાવવાનો છે. આ ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ થવાથી થલતેજ વોર્ડના લોકોને મોંઘી ખાનગી હોસ્પિટલોમાં જવાની જરૂર નહીં પડે. ફિઝિયોથેરાપીની જરૂરિયાત વાળા દર્દીઓ પોતાના જ વિસ્તારમાં નિયમિત થેરાપી મેળવીને તેમની શારીરિક કાર્યક્ષમતા ઝડપથી પુનઃપ્રાપ્ત કરી શકશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો
આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અંજુબેન શાહ (ડેપ્યુટી મેયર), કમલેશભાઈ પટેલ (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી), જશુભાઈ ઠાકોર (નેતા, શાસક પક્ષ), અતુલ મિશ્રા (દંડક), દીપક પંચાલ (ચેરમેન, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી), નિલેશ પટેલ (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, ઉત્તર-પશ્ચિમ ઝોન) ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજરી આપશે.
એએમસી દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી થલતેજ અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે.
