AMC Stray Dog Census 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરને વર્ષ 2030 સુધીમાં હડકવા મુક્ત કરવા માટે ‘રેબીસ ફ્રી અમદાવાદ - 2030’ અભિયાન અંતર્ગત વ્યાપક પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. નેશનલ એક્શન પ્લાન ફોર રેબીસ એલિમિનેશન (NAPRE) હેઠળ શહેરને રેબીસ ફ્રી બનાવવા માટે અમદાવા મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) દ્વારા વ્યૂહાત્મક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સી.એન.સી.ડી. વિભાગ દ્વારા જીઓ-ટેગિંગ અને માઈક્રોચીપીંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રખડતા કુતરાઓની નવી વસ્તી ગણતરી (AMC Stray Dog Census) અને 100 ટકા રસીકરણ કવરેજ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
રખડતા કુતરાઓનો જીઓ-ટેગિંગ સાથેનો નવો સર્વે શરૂ કરાયો
વર્ષ 2030 સુધીમાં શહેરને સંપૂર્ણપણે હડકવા મુક્ત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન(Amdavad Municipal Corporation) દ્વારા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે, શહેરમાં વોર્ડ અને ઝોન વાઈઝ રખડતા કુતરાઓનો જીઓ-ટેગિંગ સાથેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે દ્વારા બિન-ખસીકરણ કરાયેલા કુતરાઓના લોકેશન અને સચોટ સંખ્યા જાણી શકાશે, જેના આધારે તાત્કાલિક ધોરણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે.
કુતરાઓની વસ્તી નિયંત્રણ માટે 10 મહિનાનો એક્શન પ્લાન બનાવાયો
આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ 29,76,000 રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દરેક વોર્ડ દીઠ 62,000 રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે અને સમગ્ર કામગીરી 10 માસની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. વહીવટીતંત્રના અંદાજ મુજબ, વર્ષ 2019 માં શહેરમાં અંદાજે 210,000 રખડતા કુતરાઓ હતા. વસ્તી નિયંત્રણની જરૂરિયાત પર ભાર મૂકતા અહેવાલમાં જણાવાયું છે કે, જો એક જોડીનું ખસીકરણ ન કરવામાં આવે તો 3 વર્ષના સમયગાળામાં તે 300 જેટલા કુતરાઓની વસ્તી વધારી શકે છે.
માઈક્રોચીપીંગ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી
હડકવા વિરોધી રસીકરણની અસરકારકતા અને રી-વેક્સીનેશન પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે એએમસી દ્વારા માઈક્રોચીપીંગ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. રેબીસ ફ્રી સીટી પ્લાન મુજબ, શહેરના 70% કુતરાઓને સતત 3 વર્ષ સુધી રસી આપવી અનિવાર્ય છે. માઈક્રોચીપ દ્વારા જે-તે કુતરાની રસીકરણ હિસ્ટ્રી સરળતાથી ટ્રેક કરી શકાશે.
5,071 કુતરાઓનું માઈક્રોચીપીંગ પૂર્ણ કરાયું
વર્તમાન આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં કુલ 5,071 કુતરાઓનું માઈક્રોચીપીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઝોન વાઈઝ વિગતો જોઈએ તો, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1,642, પશ્ચિમ ઝોનમાં 933, પૂર્વ ઝોનમાં 602, દક્ષિણ-પશ્ચિમમાં 555, ઉત્તર-પશ્ચિમમાં 554, મધ્ય ઝોનમાં 417 અને ઉત્તર ઝોનમાં 368 કુતરાઓનું માઈક્રોચીપીંગ કરવામાં આવ્યું છે.
છેલ્લા સાત વર્ષના ખસીકરણ અને રસીકરણના આંકડા
છેલ્લા સાત વર્ષના ડેટા પર નજર કરીએ તો, વર્ષ 2019 થી 2026 દરમિયાન અમદાવાદમાં વ્યાપક સ્તરે માસ ડોગ સ્ટેરિલાઈઝેશન (MDS) અને માસ ડોગ વેક્સીનેશન (MDV) હાથ ધરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 196,894 કુતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે, જેની પાછળ પાલિકા દ્વારા 187,842,194 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
શહેરમાં નાના ગલુડિયાઓની સંખ્યામાં ઘટાડો
આ કામગીરીને પરિણામે શહેરમાં નાના ગલુડિયાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં કુતરાઓની સરેરાશ સંખ્યા 6 થી 7 રહેતી હતી, જે હવે ઘટીને 2 થી 3 થઈ હોવાનું જણાયું છે. આ ઉપરાંત, શહેરમાં હાલમાં 12 થી 13 વર્ષની વય ધરાવતા વૃદ્ધ કુતરાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ કામગીરીમાં ખસીકરણ કરાયેલા કુતરાઓના કાન પર 'V' નોચ (નિશાની) પણ કરવામાં આવે છે.
