AMC Diwali Food Safety Raid: દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન નાગરિકોને બજારમાં શુદ્ધ, સાત્વિક, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી દુકાનો તથા એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે.
23 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા
તપાસ દરમિયાન તંત્ર દ્વારા શાહપુર, શાહીબાગ, વેજલપુર, ઇસનપુર, મણિનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વિરાટનગર, નરોડા, નવરંગપુરા, નારણપુરા, બાપુનગર અને રખિયાલ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 23 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં-
- મહાલક્ષ્મી દૂધ ઘર (શાહપુર) ખાતેથી દૂધનો હલવો
- જૈન નમકીન ઇન્ડસ્ટ્રીઝ (શાહપુર) ખાતેથી બેસન અને શક્કરપારા
- હિરા મિષ્ઠાન (શાહીબાગ) ખાતેથી મિલ્ક કેક
- લોવ્યમ સ્વીટ (વેજલપુર) ખાતેથી બરફી અને બેસનના લાડુ
- શ્રી રામદેવ ડેરી એન્ડ સ્વીટ માર્ટ (ઇસનપુર) ખાતેથી કાજુ કતરી
- જય હિંદ સ્વીટ્સ (મણિનગર) ખાતેથી સાદા મૈસુર
- શ્રી શિવ શક્તિ સ્વીટ એન્ડ નમકીન (ઘાટલોડિયા) ખાતેથી મગસ
- ક્રિષ્ના સ્વીટ્સ (ચાંદલોડિયા) ખાતેથી કાજુ કલશ
- શ્રી શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (વિરાટનગર) ખાતેથી કાજુ કતરી
- ગોકુલ ડેરી (નરોડા જીઆઈડીસી) ખાતેથી ટ્રેડિશનલ હલવો
આ ઉપરાંત મુખવાસ, દાબેલી, ઘારી, ટોપરા પાક, કેસર કતરી, મોહનથાળ, મીઠો માવો અને દાલમુંઠ જેવા કુલ 23 નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ટેસ્ટિંગ કીટ ન રાખનાર 4 એકમો પાસેથી વહીવટી ચાર્જ વસૂલાયો
ગ્રાહકો પોતે પણ ખાદ્ય પદાર્થોની પ્રાથમિક ગુણવત્તા જાતે ચકાસી શકે તે માટે મીઠાઈ-ફરસાણના એકમોમાં ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ રાખવી ફરજિયાત છે. આ બાબતે તપાસ કરતા જે એકમોમાં ગ્રાહકો માટે ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ ન મળી આવી, તેવા કુલ 4 એકમો પાસેથી વહીવટી દંડ પેટે કુલ રૂ. 40,000/- નો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
- અંબિકા સ્વીટ એન્ડ ફરસાણ (જોધપુર)
- ગોપી ડેરી એન્ડ સ્વીટ (વસ્ત્રાલ)
- અંબિકા સ્વીટ એન્ડ ફરસાણ (દેવી સિનેમા રોડ, નરોડા)
- પંજીરી મીઠાઈ (નારણપુરા)
તેલની ગુણવત્તા ન સંતોષાતા સીલિંગની કાર્યવાહી
તપાસ દરમિયાન નારણપુરા સ્થિત 'ભજીયા પકોડા' (પલિયડનગર સોસાયટી) માં ખાદ્ય પદાર્થો તળવા માટે વપરાતા તેલનું TPC (Total Polar Compounds) ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેલની ગુણવત્તા 27.5 જણાઈ આવી હતી. જાહેર આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે આ એકમ સામે તાત્કાલિક અસરથી સીલિંગની સખત કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત વટવા જીઆઈડીસી સ્થિત 'ભારત ફૂડ' દ્વારા અગાઉ લેવાયેલા સોસના 3 નમૂનાઓ ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં અપ્રમાણિત (ફેલ) જાહેર થતાં, આ એકમને પણ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સીલ કરી દેવામાં આવ્યું છે.
તંત્રની સ્પષ્ટ ચેતવણી
AMC હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન અને ત્યારબાદ પણ શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સતત વોચ રાખવામાં આવશે. જો કોઈ પણ એકમ દ્વારા સ્વચ્છતા કે ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરાશે, તો તેઓ સામે નોટિસ, દંડ અને ક્લોઝર કે સીલ સુધીના કડક પગલાં ભરવામાં આવશે.
