AMC Food Raid: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તથા જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સાથે જોડાયેલા એકમોની ચકાસણી કરવામાં આવી રહી છે.
માધુપુરામાં ઘીના વેપારીઓ ત્યાં સઘન તપાસ અને રેપિડ ટેસ્ટ
AMCના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના માધુપુરા વિસ્તારમાં ઘીના વેપાર સાથે સંકળાયેલા વિવિધ એકમોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ છે કે કેમ તેની ખાતરી કરવા માટે સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કીટની મદદથી અંદાજે 25 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પરીક્ષણમાં વિવિધ જાણીતી બ્રાન્ડ્સના ઘીના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા, જેમાં-
- ડાયનામીક્ષ, મધર ડેરી અને પ્રભાત બ્રાન્ડનું ઘી
- શ્રીમંત, રામજી અને ચંન્દ્રકમલ બ્રાન્ડનું ઘી
- ડોડલા, નોવા અને પારસ બ્રાન્ડનું ઘી
- ગોવર્ધન અને અમુલ સહિતની અન્ય બ્રાન્ડ્સ
સ્થળ પર કરવામાં આવેલા તમામ 25 રેપિડ ટેસ્ટમાં વેજીટેબલ ફેટની કોઈ જ હાજરી જણાઈ આવી ન હતી. જોકે, કાયદેસરની વધુ તપાસ અને વિશ્લેષણ માટે આ તમામ બ્રાન્ડ્સના ઘીના નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
ગોમતીપુર કોલ્ડ સ્ટોરેજ અને અસારવાના માવા કેસની વિગતો
અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિભાગ દ્વારા ગોમતીપુર ખાતે આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાંથી સંગ્રહ થયેલા માવાના 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી અસારવા ખાતે આવેલ તુલસી માવા સેન્ટર (દાદા હરીની વાવ સામે, રામજી મંદિરની ચાલી)નો માવો સબસ્ટાન્ડર્ડ (ગુણવત્તા વગરનો) હોવાનું બહાર આવ્યું હતું.
આ માવાની વધુ તપાસ કરતા તે રાજસ્થાનના ઉદયપુર (વલ્લભનગર)થી ઉત્પાદિત થઈને આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બાબતે વધુ કાર્યવાહી અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર તથા રાજસ્થાનને જાણ કરવામાં આવી છે. સાથે જ, કુલ 510 કિલોગ્રામ માવાનો જથ્થો સ્થગિત કરી જાહેર આરોગ્યના હિતમાં તુલસી માવા સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે.
તુલસી માવા સેન્ટર દ્વારા કયા-કયા એકમોને માવો અપાતો હતો?
તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે તુલસી માવા સેન્ટર દ્વારા અમદાવાદના વિવિધ એકમોને માવો પૂરો પાડવામાં આવતો હતો, જેમાં-
- ચામુંડા સ્વીટ માર્ટ, હંસપુરા, નરોડા
- મહાલક્ષ્મી સ્વીટ માર્ટ, રામેશ્વર ચાર રસ્તા, મેઘાણીનગર
- કમલેશ ચવાણા, ચાર રસ્તા નાના ચિલોડા
- અંબિકા સ્વીટ માર્ટ, ખોખરા
- શનેશ્વર ચવાણા, નિકોલ
- ભેરૂનાથ ચવાણા, દહેગામ રોડ
- મહાલક્ષ્મી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, હંસપુરા, નરોડા
- બિનઅધિકૃત પેકિંગ અને નોટિસની કાર્યવાહી
આ ઉપરાંત, રાધિકા ફૂડ પ્રોડક્ટ્સ (ગાંધીનગર)ના ગોમતીપુર કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ રજવાડી સ્વીટ (બજરંગી) 10 કિ.ગ્રા. પેક અને ઇન્ડિયન ડેઝર્ટ (નિલકંઠ) 10 કિ.ગ્રા. પેક ઉપર બેચ નંબર, લોટ નંબર, ઉત્પાદન તારીખ કે એક્સપાયરી ડેટ જેવી વિગતો દર્શાવવામાં આવી ન હતી. આ નિયમભંગ બદલ તેઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અન્વયે નોટિસ આપવામાં આવી છે અને 41,400 કિલોગ્રામ જેટલો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. નોટિસનો જવાબ આવ્યા બાદ નિયમોનુસાર કાયદેસરની દંડત્મક કાર્યવાહી હાથ ધરાશે
