Ahmedabad News: નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર અમદાવાદ ગરબે ઘૂમી રહ્યું છે. તેવામાં ખેલૈયાઓ અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગરબાના પ્રથમ નોરતે જ મોડી રાત્રે શહેરમાં આવેલા વિવિધ જાણીતા ગરબા સ્થળો અને ત્યાં ઊભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ્સ પર વિભાગની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
15 ગરબા સ્થળો અને 147 ફૂડ સ્ટોલ્સનું ચેકિંગ
ફૂડ વિભાગની ટીમો દ્વારા રાત્રિ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં આવેલા મોટા ગરબા આયોજનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કુલ તપાસવામાં આવેલા ગરબા સ્થળો: 15
તપાસ કરાયેલ ફૂડ સ્ટોલ્સ: 147
લીધેલા શંકાસ્પદ સેમ્પલ:41
સ્થળ પર જ કરાયેલા ઓન-ધ-સ્પોટ ટેસ્ટ: 35
ફૂડ લાયસન્સ/રજિસ્ટ્રેશન: 107 સ્ટોલ ધારકો પાસે કાયદેસરનું પ્રોસેસિંગ કરાવવામાં આવ્યું.
TPC મશીનથી ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ
તપાસ દરમિયાન ખાસ કરીને વપરાતા તેલ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે TPC મશીનનો ઉપયોગ કરીને સ્થળ પર જ પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ રહી કે પ્રાથમિક તપાસમાં ખાદ્ય પદાર્થો નિયત ધોરણો મુજબના મળી આવ્યા હતા. જે સ્ટોલ ધારકો પાસે ફૂડ રજિસ્ટ્રેશન ન હતું, તેમની પાસે સ્થળ પર જ પ્રક્રિયા પૂર્ણ કરાવીને રજિસ્ટ્રેશન અપાવવામાં આવ્યું હતું.
આ મુખ્ય સ્થળો પર થઈ તપાસ
AMCની ટીમ દ્વારા 'રાસલીલા નવરાત્રી (સિંધુ ભવન)', 'મહાલક્ષ્મી ગરબા (ગોતા)', 'સંસ્કૃતિક શૈલી (ચાંદલોડિયા)', 'યશ ગરબા (સાયન્સ સિટી)', 'રાજપૂત સમાજ ગરબા (ગોતા)', 'બીઆરટીએસ ટૂરિઝમ ગરબા (રાણીપ)', તેમજ રામોલ, વસ્ત્રાલ અને બોપલ વિસ્તારના મુખ્ય ગરબા આયોજનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
તંત્રની અપીલ અને ચેતવણી
AMC ફૂડ વિભાગ દ્વારા તમામ આયોજકો અને ફૂડ સ્ટોલ ધારકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પીરસવામાં આવતા ખોરાકમાં સ્વચ્છતા અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું. તંત્રએ નાગરિકોના આરોગ્ય સાથે સમજુતી ન કરવા કડક વલણ અપનાવ્યું છે અને જણાવ્યું છે કે આખી નવરાત્રી દરમિયાન આવી સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે. જો કોઈ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન જણાશે તો 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, 2006' હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
