AMC Initiative: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક પ્રશંસનીય પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોએ પોતાના ઘરમાંથી એકત્રિત કરેલો સ્વચ્છ અને અલગ કરેલો પ્લાસ્ટિક કચરો નજીકની AMC ઝોનલ કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે. તેના બદલામાં નાગરિકોને પર્યાવરણ માટે અત્યંત અનુકૂળ એવી ગાયના છાણમાંથી બનાવેલી સુંદર ગણેશજીની મૂર્તિ ઇનામરૂપે ભેટ આપવામાં આવશે.
ક્યાં સુધી અને કેવી રીતે મળશે મૂર્તિ?
આ વિશેષ અભિયાન હેઠળ ગણેશ મૂર્તિનું વિતરણ 11 સપ્ટેમ્બર, 2026 થી 14 સપ્ટેમ્બર, 2026 સુધી કરવામાં આવશે.
અમદાવાદના તમામ સાત ઝોનમાં આ વિતરણ હાથ ધરવામાં આવ્યું છે.
દરેક ઝોનમાંથી પ્રથમ 100 નાગરિકો (એન્ટ્રી) જ આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ વિતરણ સંપૂર્ણપણે ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ના ધોરણે કરવામાં આવી રહ્યું છે.
વિતરણનો સમય સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીનો છે, અને શનિવાર-રવિવારની રજાના દિવસોમાં પણ આ સેવાનો લાભ ચાલુ રહેશે.
અમદાવાદના સાત ઝોનમાં વિતરણ માટેના નિર્ધારિત સ્થળો
નાગરિકો પોતાના વિસ્તાર મુજબ નીચે દર્શાવેલી ઝોનલ કચેરીઓ પર જઈને પ્લાસ્ટિક કચરો જમા કરાવીને મૂર્તિ મેળવી શકે છે-
સેન્ટ્રલ ઝોન: સરદાર પટેલ ભવન, મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂની બિલ્ડિંગનો પાંચમો માળ, દાણાપીઠ.
નોર્થ વેસ્ટ ઝોન: રાજમાતા વિજયારાજે સિંધિયા ભવન, બીજો માળ, જજીસ બંગલો રોડ, બોડકદેવ.
નોર્થ ઝોન: રાજીવ ગાંધી ભવન, નરોડા રોડ, મેમ્કો ચાર રસ્તા.
સાઉથ વેસ્ટ ઝોન: શ્રી તુષાર દેશમુખ ભવન, ત્રીજો માળ, શેલ્બી હોસ્પિટલ પાસે, કર્ણાવતી ક્લબ રોડ.
ઈસ્ટ ઝોન: હરિભાઈ મહેતા ભવન, વિરાટનગર ચાર રસ્તા.
વેસ્ટ ઝોન: વાડજ હિન્દી સ્કૂલ નંબર 1 અને 2, રામદેવપીર મંદિર પાસે, જૂના વાડજ.
સાઉથ ઝોન: શ્યામાપ્રસાદ મુખર્જી ભવન, ત્રીજો માળ, રામબાગ, મણિનગર.
(નોંધ: તમામ ઝોન માટે વિતરણ સ્થળ સંબંધિત Zonal Deputy Director (SWM) Office ખાતે રાખવામાં આવ્યું છે.)
'Beat Plastic Pollution'નો સંદેશ અને અપીલ
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ અનોખા અભિયાન દ્વારા નાગરિકોને “Bring Your Plastic Waste, Receive Bappa’s Blessings!” નો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં ‘Reduce, Reuse, Recycle’ ની ભાવના કેળવવાની સાથે પ્લાસ્ટિક કચરાને યોગ્ય માર્ગે નિકાલ કરવાનો છે, જેથી આપણું શહેર સ્વચ્છ અને હરિયાળું બની શકે.
