Ambalal Patel Agahi: ચાલુ વર્ષે ઓગસ્ટના ઉત્તરાધમાં માઘ નક્ષત્ર બેસવા છતાં મેઘરાજાએ હાથતાળી આપતાં રાજ્યભરના ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે આ નક્ષત્રનો વરસાદ મોલાત માટે અમૃત સમાન ગણાય છે, પરંતુ વરસાદી ખેંચાણના કારણે પંપિંગ અને સિંચાઈ પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. હવે સૌની નજર આગામી મહિનાના હવામાન પર છે, ત્યારે હવામાન ક્ષેત્રના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાનું આકલન રજૂ કર્યું છે.
આ તારીખો દરમિયાન પલટાશે વાતાવરણ
અંબાલાલ પટેલના સંકેતો મુજબ, સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એટલે કે 2 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક ઝોનમાં હળવા ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને વડોદરા, પંચમહાલ અને અમદાવાદ સહિત પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તેમજ અરવલ્લી અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે વરસાદી છાંટા પડવાની સંભાવના છે. ત્યારબાદ 6 થી 8 સપ્ટેમ્બરના સમયગાળામાં ઝાપટાનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે.
સિસ્ટમ બનશે અને તહેવારોમાં મેઘ મહેર થશે
ઓગસ્ટમાં અલ-નીનોના પાવરને કારણે મેઘરાજા શાંત રહ્યા હતા. પરંતુ હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે, જે પૂર્વ મધ્યપ્રદેશ તરફ ગતિ કરશે. આ ઉપરાંત, 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન વધુ એક સિસ્ટમ સક્રિય થવાની ગણતરી છે.
આ સિસ્ટમની અસરથી અરબી સમુદ્ર પણ સાનુકૂળ બનશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. ગણેશોત્સવ અને પર્યુષણ જેવા પવિત્ર તહેવારો દરમિયાન અંબાજી સહિતના ઉત્તર અને પૂર્વના ડુંગરાળ વિસ્તારોમાં સારું પાણી પડી શકે છે. સપ્ટેમ્બરના ઉત્તરાધ સુધી વારંવાર ભેજવાળી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે વરસાદી માહોલ જળવાઈ રહેવાના પૂરતા એંધાણ છે.
