Ambalal Patel Agahi: ફેબ્રુઆરીમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવશે આફત, ગુજરાતના આ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા

મજબૂત પશ્ચિમી વિક્ષોપ ભલે પસાર થઈ ગયું હોય, પરંતુ હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હેટ ટ્રીક મારશે. જો કે આવનારા પશ્ચિમી વિક્ષોપ પહેરાની સરખામણીએ નબળા રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 04:40 PM (IST)Updated: Tue, 27 Jan 2026 04:41 PM (IST)
ambalal-patel-agahi-or-forecast-western-disturbance-may-bring-unseasonal-rain-in-gujarat
HIGHLIGHTS
  • એકવાર પશ્ચિમી વિક્ષોપ હટી જશે, તે પછી ઠંડીનું જોર વધશે

Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે. 14 જાન્યુઆરી બાદ મજબૂત પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા.

જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં ગુજરાતમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફારોની આગાહી કરી છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આવી રહેલો બીજો પશ્ચિમી વિક્ષોપ પહેલાની સરખામણીમાં નબળો રહેશે. જેના કારણે આગામી 2 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો જોવા મળી શકે છે.

ખાસ કરીને દેશના ઉત્તર પર્વતિય પ્રદેશો સહિત ઉત્તર ભારતના ભાગોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના ભાગોમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે.

જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

એક પછી એક પશ્ચિમી વિક્ષોપ આવતા રહેશે
બીજો પશ્ચિમી વિક્ષોપ આગામી 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આવશે. જો કે આ પશ્ચિમી વિક્ષોપ પણ ખૂબ જ નબળો રહેશે. આ પશ્ચિમી વિક્ષોપ હટી જતાં ઠંડી વધી શકે છે.

જે બાદ અન્ય એક પશ્ચિમી વિક્ષોપ 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી આવશે. જેની અસરના ભાગરૂપે દેશના ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા અને કરા પડવાની શક્યતા રહેશે. દેશના ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાંથી આવતા બર્ફિલા પવનોની અસરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.

અન્ય પશ્ચિમી વિક્ષોપ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં આવવાની શક્યતા રહેશે. જેના કારણે પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

આમ એકંદરે જોઈએ તો, ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ગુજરાતના કોઈ-કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.