Ambaji Temple Prasad Booking Online: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.
આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.
અંબાજી ખાતેથી 'માતૃશક્તિ પોષણ' અને 'શ્રી શક્તિ વધામણા' કીટ વિતરણનો પ્રારંભ
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ચાચર ચોક ખાતે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના દાંતા, હડાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત દીકરીઓના આરોગ્યની જાળવણી માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ તાલુકાની બહેનો અને માતાઓને કીટનું વિતરણ કરીને આ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, દર મહિને કલેકટર કચેરી ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્યને લઈને નિયમિત બેઠક યોજાય છે જેમાં આ વિસ્તારની બહેનો અને માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે માટે નવતર અભિગમ અપનાવીને પોષણ કીટો તૈયાર કરાઈ છે. તેમણે જણાવ્યું કે, માતૃશક્તિ સર્વ જીવનનો આધાર છે તેના મંત્ર સાથે સગર્ભા માતાઓને પોષક તત્વોથી ભરપૂર 'માતૃશક્તિ પોષણ કીટ' અને નવજાત દીકરીઓને 'શ્રી શક્તિ વધામણા કીટ' તૈયાર કરાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા માતાઓને પોષણ પૂરું પાડી તંદુરસ્ત બાળકનો જન્મ સુનિશ્ચિત કરવાનો અને નવજાત દીકરીઓના આરોગ્યની કાળજી રાખવાનો છે.
18 હજાર કીટ તૈયાર કરાશે જે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરાશે
કલેકટરએ જણાવ્યું કે, આગામી 1 એપ્રિલ 2026 થી લઈને 31 માર્ચ 2027 સુધી આદિજાતિ તાલુકાઓમાં 12 હજાર સગર્ભા બહેનોને માતૃશક્તિ પોષણ કીટ અને 6 હજાર બહેનોને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કરાશે તે સુનિચ્ચિત કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કુલ 18 હજાર કીટ તૈયાર કરાશે જે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરાશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે, દરેક વ્યક્તિને યોગ્ય પોષણ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આવનાર પેઢી મજબૂત બને અને સશક્ત રાષ્ટ્ર બને તથા કુપોષણ અટકાવવા સહિયારા પ્રયત્નો કરીએ તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માતૃશક્તિ પોષણ કીટમાં ઘઉંનો લોટ, શેકેલા ચણા, ગોળ, મગ, ઘી અને પ્રોટીન પાવડર જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે શ્રી શક્તિ વધામણા કીટમાં નવજાત બાળકી માટે કપડાં, મોજાં, ટોપી, મચ્છરદાની, ગોદડી અને બેબી બાસ્કેટ જેવી 15 થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આ તમામ કીટનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા, અમીરગઢ અને હડાદ તાલુકા આરોગ્ય અધિકારીઓ મારફતે કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.
