Air India Emergency Landing Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVP) એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી તરફ જઈ રહેલી ફ્લાઈટમાં શંકાસ્પદ મેસેજ મળી આવતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનનું તાત્કાલિક અમદાવાદ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ટિશ્યુ પેપર પર લખેલો મળ્યો 'BOMB' મેસેજ
મળતી માહિતી મુજબ, ફ્લાઈટ જ્યારે હવામાં ઉડાન ભરી રહી હતી ત્યારે વિમાનના વોશરૂમ અથવા કેબિન વિસ્તારમાંથી એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર હાથથી 'BOMB' લખેલું હતું. આ જોતાં જ ક્રૂ મેમ્બર્સે ત્વરિત નિર્ણય લઈને પાયલટને જાણ કરી હતી. પાયલટે સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને નજીકના અમદાવાદ એરપોર્ટના ATC સાથે સંપર્ક સાધ્યો હતો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી.
32 મુસાફરો રેસ્ક્યૂ
લેન્ડિંગની મંજૂરી મળતાં જ એરપોર્ટ તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. વિમાન રન-વે પર ઉતરતાની સાથે જ તેને મુખ્ય ટર્મિનલથી દૂર આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને વિશેષ બસ મારફતે ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવાયા હતા.
બોમ્બ સ્ક્વોડ અને સઘન ચેકિંગ
ઈમરજન્સી કોલ મળતા જ CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મુસાફરોના સામાનને અલગ કરીને સ્કેન કરવામાં આવ્યો હતો તથા સમગ્ર પ્લેન, કાર્ગો એરિયા અને સીટોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ બાદ કોઈ પણ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ ન મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સુરક્ષા એજન્સીઓ આ અફવા ફેલાવનાર અને ટિશ્યુ પેપર પર લખનાર વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ ચલાવી રહી છે.
