એર ઈન્ડિયા ફ્લાઈટ દુર્ઘટના: ટર્બ્યુલન્સ કે પાયલટની બેદરકારી? બ્લેક બોક્સ ખોલશે ફુકેટ-દિલ્હી ફ્લાઈટના રહસ્યો

ફુકેટ-દિલ્હી એર ઈન્ડિયા ફ્લાઈટમાં ઓડિશા ઉપર ભયાનક ટર્બ્યુલન્સ બાદ 17 લોકો ઘાયલ થયા. પાયલટના ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા અને ઈમરજન્સી લેન્ડિંગ ન કરાવતા DGCA દ્વારા તપાસ તેજ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 09 Aug 2026 06:37 PM (IST)Updated: Sun, 09 Aug 2026 06:37 PM (IST)
turbulence-or-pilot-negligence-black-box-to-reveal-secrets-of-the-phuket-delhi-flight

Air India Flight Turbulence: 4 ઓગસ્ટે ફુકેટથી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI 2379)માં સવાર મુસાફરો માટે ઓડિશાના આકાશમાં સર્જાયેલી ભયાનક ઘટના માત્ર હવામાનનો પ્રકોપ નહોતી, પરંતુ સુરક્ષાના ધોરણોમાં એક અત્યંત ગંભીર ચૂકનો મામલો બનતી દેખાઈ રહી છે. લેન્ડિંગ પછી હાથ ધરવામાં આવેલા પોસ્ટ-ફ્લાઈટ મેડિકલ ટેસ્ટમાં વિમાનના એક પાયલટના સાયકોએક્ટિવ સબસ્ટન્સ (નશાકારક પદાર્થ) ના સેવનની પ્રાથમિક પુષ્ટિ (પોઝિટિવ સ્ક્રીનિંગ)ના સમાચારથી નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) અને એરલાઇન ક્ષેત્રે ભારે ધમાચકડી મચી ગઈ છે.

બીજી તરફ, પાયલટના ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાના અહેવાલો વચ્ચે એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે નિયમો અને પ્રોટોકોલ અનુસાર પાયલટોનો ઉડાન પછીનો (પોસ્ટ-ફ્લાઈટ) સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, આ ટેસ્ટના પરિણામો હજુ સુધી એર ઈન્ડિયા સાથે શેર કરવામાં આવ્યા નથી, તેથી એરલાઈન તેના પરિણામો પર કોઈ ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી.

ટર્બ્યુલન્સ કે પાયલટનું વિખરાયેલું ધ્યાન?

ઘટનાના દિવસે ઓડિશા ઉપર અચાનક વિમાન લગભગ 300 ફીટ નીચે પટકાતાં 13 મુસાફરો અને 4 કેબિન ક્રૂ મેમ્બર્સ ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરૂઆતમાં તેને ભારે 'સિવિયર ટર્બ્યુલન્સ' ગણાવવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટ-ફ્લાઈટ ડોપ ટેસ્ટમાં કેપ્ટન ફસાયા બાદ હવે તપાસ એજન્સીઓ એ મુખ્ય એંગલની તપાસ કરી રહી છે કે શું નશાની અસરને કારણે કેપ્ટન હવામાનની ગંભીરતાને પારખવામાં અને કોકપિટ પર યોગ્ય સમયે નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહ્યા હતા?

નજીકના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કેમ ન કરાવાયું?

હવે એ વાત પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે કે ટર્બ્યુલન્સ પછી, જેમાં ઘણા મુસાફરો સીટ પરથી ઉછળીને છત સાથે અથડાયા હતા, કેપ્ટને નજીકના એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાને બદલે દિલ્હી સુધીની એક કલાકથી વધુ સમયની ઉડાન ચાલુ કેમ રાખી?

શું આ મુસાફરોના જીવ જોખમમાં મૂકીને મામલો દબાવવાનો પ્રયાસ હતો? એક મુસાફરે આક્ષેપ કર્યો હતો કે પાયલટે નજીકના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ એટલા માટે ન કરાવ્યું કારણ કે તેને ડર હતો કે તેમ કરવાથી તેનો લાઈસન્સ રદ થઈ શકે છે. પાયલટે માત્ર 'પાંચ-પાંચ મિનિટમાં લેન્ડિંગ થઈ જશે' તેમ કહીને ઉડાન ચાલુ રાખી હતી.

પાયલટ ફેડરેશને કહ્યું- અંતિમ રિપોર્ટની રાહ જોવી જરૂરી

આ સમગ્ર વિવાદ વચ્ચે ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધાવાએ ઉતાવળમાં કોઈ તારણ પર ન પહોંચવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે પ્લેન ઉતર્યા બાદ પાયલટનો સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી કે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કે નહીં.

કેવી રીતે કામ કરે છે 'ડોપ' અને 'બ્રેથ એનાલાઈઝર' ટેસ્ટ?

એવિએશન સિક્યુરિટીના નિયમો હેઠળ મેડિકલ ટેસ્ટ પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થાય છે:

1. લેન્ડિંગ અથવા ટેક-ઓફ પહેલાં ડિજિટલ/કીટ ટેસ્ટ કરવામાં આવે છે, જે ત્વરિત સંકેત આપે છે.
2. જો પ્રાથમિક ટેસ્ટ પોઝિટિવ આવે, તો સેમ્પલને માન્યતા પ્રાપ્ત લેબમાં વિગતવાર તપાસ માટે મોકલવામાં આવે છે.

DGCAના કડક નિયમો અને આંકડા

ભારતમાં DGCA દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો હેઠળ પાયલટો અને ક્રૂ મેમ્બર્સ માટે 'ઝીરો ટોલરન્સ' નીતિ છે. ડ્યુટી શરૂ થવાના 12 કલાક પહેલાં સુધી કોઈપણ નશાકારક પદાર્થ કે દારૂનું સેવન પ્રતિબંધિત છે.

પ્રથમ વખત: ટેસ્ટ ફેઈલ થવા પર 3 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ થાય છે.

બીજી વખત: સસ્પેન્શનનો સમયગાળો વધીને 3 વર્ષ થઈ જાય છે.

ત્રીજી વખત: કાયમી ધોરણે લાઈસન્સ રદ કરી દેવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કડક નિયમો લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 100થી વધુ વિમાની કર્મચારીઓ ટેસ્ટમાં નિષ્ફળ જવાના કારણે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. વાર્ષિક સરેરાશ 30 થી 40 આવા કેસ પ્રકાશમાં આવે છે.

બ્લેક બોક્સમાંથી સામે આવશે સત્ય

DGCA હવે વિમાનના 'બ્લેક બોક્સ'ની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. જો લેબ રિપોર્ટમાં ડોપ ટેસ્ટની આખરી પુષ્ટિ થશે અને બ્લેક બોક્સ ડેટા પરથી કેપ્ટનની બેદરકારી સાબિત થશે, તો આરોપી પાયલટ સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.