Ahmedabad Rain: ધોળકા, વિરમગામ અને ધંધુકામાં ભારે વરસાદ વચ્ચે 430થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, 40નું સફળ રેસ્ક્યુ કરાયું

અમદાવાદ જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર સતત સતર્ક, અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુઃ કલેકટર ભવ્ય વર્મા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Jul 2026 07:08 PM (IST)Updated: Fri, 24 Jul 2026 07:08 PM (IST)
ahmedbad-rain-update-over-430-people-relocated-to-safe-locations-and-rescued-in-dholka-viramgam-and-dhandhuka
HIGHLIGHTS
  • પંચાયત હસ્તકના 11 રસ્તાઓ વાહનવ્યવહાર માટે હજુ પણ બંધ

Ahmedabad Rain: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અતિભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

આજે સવારથી વરસાદની તીવ્રતા ઘટતા તંત્રને હાશ

આ અંગે વિગતો આપતાં અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં 600 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારે 8 વાગ્યા બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં પરિસ્થિતિમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. છેલ્લા ચારથી પાંચ કલાક દરમિયાન ધોળકા તાલુકાના કેટલાક વિસ્તારો સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.


જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના સંકલિત પ્રયાસોથી સાવચેતીના ભાગરૂપે 430થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે પાણીના ભરાવમાં ફસાયેલા લગભગ 40 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમાં ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા છ લોકોને SDRFની ટીમે સલામત બહાર કાઢ્યા હતા. સ્થળાંતરિત કરાયેલા લોકોમાં 40 ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા ચારથી પાંચ મહિલાઓની સફળ પ્રસૂતિ થઈ છે અને માતા તથા નવજાત બંને સ્વસ્થ છે.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોળકા તાલુકાને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરીને ત્યાં એક આર્મી યુનિટ અને એક NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે. બાવળા નજીક રાજકોટ હાઇવે પર આવેલી ગેલેક્સી અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાવાને કારણે ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે એક આર્મી અને એક SDRF ટીમ કાર્યરત છે, જ્યારે વિરમગામમાં પણ એક SDRF ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે. જિલ્લામાં હાલ કુલ બે આર્મી, એક NDRF અને બે SDRF ટીમો વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં કાર્યરત છે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત સમગ્ર વહીવટી તંત્ર સતત મેદાનમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 11 રસ્તાઓ બંધ છે, જેમાં મોટાભાગના પંચાયત વિસ્તારના માર્ગોનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્ય માર્ગો પર વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.

તેમણે કહ્યું કે વરસાદના પાણી ઓસર્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ નુકસાનગ્રસ્ત પરિવારોને ત્વરિત સહાય પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફૂડ પેકેટની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક વિતરણ કરી શકાય.

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આજે પણ રેડ એલર્ટ છે. આગામી કલાકો દરમિયાન સતર્કતા જાળવવી અત્યંત જરૂરી હોવાથી નાગરિકોને અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ન નીકળવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.