Ahmedabad to Madhubani Special Train: તહેવારોની સીઝનમાં પોતાના વતન બિહાર જવા માંગતા ગુજરાતના મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ એક મોટી રાહત આપી છે. નિયમિત ટ્રેનોમાં થતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અમદાવાદ અને મધુબની વચ્ચે વિશેષ ભાડા સાથે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ આજથી જ (14 નવેમ્બર) શરૂ થઈ રહ્યું છે.
ટ્રેનનો સમય અને તારીખ
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09431 અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ ટ્રેન આગામી 15 નવેમ્બર, 2026 (રવિવાર)ના રોજ સવારે 10:10 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી રવાના થશે. આ ટ્રેન મુસાફરી પૂર્ણ કરીને મંગળવારે મોડી રાત્રે 01:40 વાગ્યે મધુબની સ્ટેશન પહોંચશે.
કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
મુસાફરોની સુવિધા માટે આ સ્પેશિયલ ટ્રેનને માર્ગમાં આવતા અનેક મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન બંને દિશામાં નહીં પરંતુ માત્ર અમદાવાદથી મધુબની તરફ જ દોડશે. રસ્તામાં તે આ સ્ટેશનો પર ઊભી રહેશે-
ગુજરાત: આણંદ, છાયાપુરી, ગોધરા અને દાહોદ.
મધ્યપ્રદેશ: રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા અને સતના.
ઉત્તરપ્રદેશ: માનિકપુર, પ્રયાગરાજ છિવકી અને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન.
બિહાર: બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી.
કોચની વ્યવસ્થા અને ટિકિટ બુકિંગ
આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરો માટે સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09431 માટે ટિકિટ બુકિંગ 14 નવેમ્બર, 2026થી રેલવેના તમામ PRS કાઉન્ટર તેમજ IRCTCની ઓફિશિયલ વેબસાઈટ અને એપ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
મુસાફરો માટે ખાસ સૂચના
ટ્રેનના આગમન-પ્રસ્થાનના ચોક્કસ સમય, દરેક સ્ટેશન પર રોકાણ અને કોચની ગોઠવણી અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
