Ahmedabad: અમદાવાદના ઓવરબ્રિજ પર ચાલું ટુવ્હીલરે મોબાઈલ યુઝ કરતો યુવક અચાનક પડ્યો, પાછળ આવતી કારના ડેશકેમમાં ઘટના કેદ, થયો ચમત્કારિક બચાવ

પાછળથી આવી રહેલા એક કારચાલકની સમયસૂચકતા અને યુવકે પહેરેલા હેલ્મેટને કારણે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 19 Oct 2025 12:24 PM (IST)Updated: Sun 19 Oct 2025 12:24 PM (IST)
ahmedabad-youth-falls-from-overbridge-while-using-mobile-dashcam-captures-miraculous-escape-from-major-accident-623647
HIGHLIGHTS
  • યુવક એક હાથમાં મોબાઈલ રાખીને વાત કરી રહ્યો હતો.
  • આ દરમિયાન અચાનક જ યુવકે મોપેડ પરનું બેલેન્સ ગુમાવી દીધું અને તે ધડામ દઈને રોડ પર પટકાયો.

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાની બેદરકારીના કારણે એક યુવકનો જીવ અધ્ધર કરી દેતો અકસ્માત સર્જાયો હતો. શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલો એક યુવક મોપેડ ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરી રહ્યો હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બ્રિજ પર ઊંધેકાંધ પટકાયો હતો. જોકે, પાછળથી આવી રહેલા એક કારચાલકની સમયસૂચકતા અને યુવકે પહેરેલા હેલ્મેટને કારણે તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના પાછળ ચાલી રહેલી કારના ડેશકેમમાં કેદ થઈ હતી.

બેલેન્સ ગુમાવતા મોપેડ 15 ફૂટ દૂર ફેંકાયું:

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો અમદાવાદ શહેરનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોપેડ ચલાવી રહેલો યુવક એક હાથમાં મોબાઈલ રાખીને વાત કરી રહ્યો હતો અથવા મોબાઈલ જોઈ રહ્યો હતો. તેની આસપાસ અને પાછળ અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ યુવકે મોપેડ પરનું બેલેન્સ ગુમાવી દીધું અને તે ધડામ દઈને રોડ પર પટકાયો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક જે મોપેડ પર સવાર હતો તે ફંગોળાઈને ૧૫ થી ૨૦ ફૂટ દૂર જઈને ફેંકાયું હતું.

કારચાલકની બ્રેકથી જાનહાનિ ટળી:

જ્યારે આ અકસ્માત સર્જાયો, ત્યારે તરત જ પાછળ આવી રહેલા કારચાલકે પરિસ્થિતિનું ભાન થતાં તુરંત જ બ્રેક મારી દીધી હતી. જો કારચાલકે સહેજ પણ મોડું કર્યું હોત તો કાર આ પટકાયેલા યુવક પર ફરી વળી હોત અને ગંભીર જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના હતી. કારચાલકની સમયસૂચકતાના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.

ટ્રાફિક પોલીસે વીડિયો પોસ્ટ કરી લોકોને જાગૃત કર્યા:

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો અત્યંત જોખમી હોવા છતાં વાહનચાલકો મોટાભાગે બેદરકારી દાખવતા હોય છે. ત્યારે આ ગંભીર અકસ્માતનો વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. પોલીસે લખ્યું છે કે, આ ઘટનાથી લોકોમાં એ સંદેશ પહોંચવો જરૂરી છે કે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે. હેલ્મેટ જીવનરક્ષક છે, પણ ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી આ બેદરકારી ટાળવી જોઈએ.