Ahmedabad News: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી રૂપિયા 1.64 કરોડની કિંમતી ચાંદીની ચોરીના ગંભીર ગુનાનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા દેરાસરના પૂજારી, સફાઈ કર્મચારી દંપતી સહિત કુલ પાંચ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.
પૂજારી મેહુલ રાઠોડ મુખ્ય સૂત્રધાર
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે આ ચોરીનો મુખ્ય સૂત્રધાર દેરાસરમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો મેહુલસિંહ હરીસિંહ રાઠોડ (ઉં.વ. 43) છે. મેહુલે દેરાસરના સફાઈ કર્મચારી કિરણ નૈનાભાઈ વાઘરી અને તેની પત્ની પુરી ઉર્ફે હેતલ વાઘરીની મદદથી આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી થયેલા સામાનમાં આશરે 117.336 કિલોગ્રામ ચાંદીના મૂર્તિના મુગટ, આંગી (ભગવાનના વાઘા), કુંડળ અને અન્ય ઉપકરણોનો સમાવેશ થતો હતો, જેની કુલ કિંમત રૂ. 1,64,11,240/- અંદાજવામાં આવી હતી.
ડેશકેમની મદદથી આરોપીઓ પકડાયા
ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન ટીમને એન.આઈ.ડી. સર્કલ ખાતે માહિતી મળી કે ગુનાના મુખ્ય આરોપીઓ મેહુલ રાઠોડ અને કિરણ વાઘરી બોલેરો પીકઅપ લઈને ઊભા છે. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેની ધરપકડ કરી હતી. તેમની બોલેરો પીકઅપની તપાસ કરતાં, તેમાંથી ભગવાનની આંગી, કુંડળ અને મુગટના કટિંગ કરેલા અવશેષો, કટર, તેમજ તાજેતરમાં ચાંદીના અવશેષો વેચીને મેળવેલી રોકડ રકમ મળી આવી હતી.
આ પણ વાંચો
ભોંયરામાં છુપાવેલા જડતરના ભાગોની ચોરી
પૂછપરછ દરમિયાન મેહુલ રાઠોડે કબૂલાત કરી કે લગભગ અઢી વર્ષ પહેલાં ટ્રસ્ટીઓની સૂચના મુજબ મૂર્તિઓની પાછળનું જડતર ઉતારીને દેરાસરના ભોંયરામાં મૂકવામાં આવ્યું હતું. આ ભોંયરામાં મેહુલની અવરજવર હોવાથી તેને કિંમતી ચાંદીના ભાગોની જાણ હતી. તે છેલ્લા બે વર્ષથી આ ચાંદીના ભાગો કટર વડે કટિંગ કરીને રોનક સુબોધચંદ્ર શાહ અને સંજય પ્રવીણભાઈ જાગરીયાને વેચી દેતો હતો. જડતરના ભાગો પૂરા થઈ ગયા બાદ તેણે ભગવાન શીતલનાથ અને વાસુપૂજ્ય સ્વામીના કુંડળ, મુગટ અને આંગીના અવશેષો પણ ચોરી કરીને કટિંગ કર્યા હતા.
કુલ 5 આરોપીઓની ધરપકડ અને 48 કિલો ચાંદી રિકવર
મેહુલની કબૂલાત બાદ ક્રાઈમ બ્રાન્ચે બે અલગ ટીમો બનાવીને રોનક શાહ અને સંજય જાગરીયાની પણ ધરપકડ કરી હતી. તેમના ઘરેથી ચોરીની ચાંદીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ રીતે કુલ 48.056 કિલોગ્રામ ચાંદી (કિંમત રૂપિયા 49,01,700/-) અને રૂપિયા 79,000/- રોકડ રકમ રિકવર કરી છે. એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કબ્જે કરેલા મુદ્દામાલમાં ચાંદી, રોકડ, 4 મોબાઈલ ફોન અને બોલેરો પીકઅપ સહિત કુલ રૂપિયા 72,87,400/- નો મુદ્દામાલ સામેલ છે, જેના આધારે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.