સરખેજમાં યુવતીની પજવણી કરનાર યુવકે પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો પ્રયાસ

પોલીસ હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 28 Nov 2025 09:59 AM (IST)Updated: Fri, 28 Nov 2025 09:59 AM (IST)
ahmedabad-young-man-who-harassed-a-girl-in-sarkhej-tried-to-commit-suicide-by-pouring-petrol-on-her

Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીની કથિત રીતે પજવણી કરી રહેલા યુવકે હોસ્પિટલમાં જ પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને કારણે હોસ્પિટલમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આત્મદાહનો પ્રયાસ કરનાર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો, જ્યારે જે યુવતી સાથે તેણે તકરાર કરી હતી તે આઘાતને કારણે બેભાન થઈ હતી.

યુવતિની પજવણી કરતો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે, ફતેવાડીમાં સમા સ્કૂલ પાસે આવેલા આફરીન ડુપ્લેક્સમાં રહેતી સલેહા અબ્દુલકાદર શેખ, સરખેજમાં આવેલી અલ-નૂર હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. છેલ્લા છ મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામરાન નામનો યુવક કથિત રીતે તેની પજવણી કરતો હતો.

આત્મદાહનો પ્રયાસ કર્યો

ગઇકાલે ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે, કામરાન અલ-નૂર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સલેહા કામ પર હતી. તેણે સલેહા સાથે કોઈ મુદ્દે દલીલ કરી હતી. બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢીને પોતાના પર પેટ્રોલ છાંટવાનું શરુ કર્યું હતું અને લાઇટર વડે આગ ચાંપી દીધી હતી.

આગની જ્વાળાઓમાં લપેટાયેલો કામરાન હોસ્પિટલમાં આમતેમ દોડતો જોવા મળ્યો હતો. તેણે હોસ્પિટલની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તે સળગતી હાલતમાં જ બિલ્ડિંગની બહાર દોડી ગયો હતો, પહેલા માળેથી નીચે કૂદ્યો અને બાજુમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેણે વધુ નુકસાન કર્યું હતું.

હોસ્પિટલમાં ખસેડાયો

ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ, સલેહાને કોઈ શારીરિક ઈજા થઈ નથી, પરંતુ આ ઘટનાના આઘાતથી તે પણ બેભાન થઈ ગઈ હતી. તેને પણ અલ-નૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

તે ભાનમાં આવ્યા પછી પોલીસ તેનું નિવેદન નોંધશે. સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.