Ahmedabad News: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક BRTS બસના ડ્રાઇવરે બેદરકારીથી રાહદારીના પગ પર બસ ચઢાવી દેતા હિંસક ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત બાદ રોષે ભરાયેલા બે શખ્સોએ BRTS બસમાં ઘૂસીને કાચ તોડ્યા હતા અને બસમાં ભારે તોડફોડ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ બસના ડ્રાઇવરને બસમાંથી નીચે ઉતારીને માર પણ માર્યો હતો. આ સમગ્ર મામલે બસના ડ્રાઇવરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વળાંક પર રાહદારીનો પગ ટાયર નીચે આવ્યો
વેજલપુર ખાતે રહેતા અને છેલ્લા ચાર વર્ષથી BRTS બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેબૂબ મંડલીએ ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે તેમની છેલ્લી ટ્રીપ સાણંદ ચોકડીથી જય મંગલ સુધીની હતી. જય મંગલ સ્ટોપ પર આવ્યા બાદ તેઓ બસને શાસ્ત્રીનગર ચાર રસ્તાથી નારણપુરા બસ ડેપો ખાતે મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન વળાંક પર બસની ખાલી સાઈડના ટાયર નીચે અચાનક એક રાહદારીનો પગ આવી ગયો હતો. મહેબૂબભાઈએ તરત જ બ્રેક મારી દીધી અને બસને સાઇડમાં ઊભી રાખી, ત્યારે રાહદારી પગ પકડીને બેઠો હતો.
લાકડી-પાઇપ વડે તોડફોડ અને માર માર્યો
રાહદારીને ટક્કર માર્યા બાદ મહેબૂબભાઈ બસ લઈને થોડા આગળ ગયા હતા, ત્યારે પાછળથી આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. આ શખ્સોના હાથમાં લાકડી અને પાઇપ હતા. તેમણે 'અકસ્માત કેમ કર્યો' તેમ કહીને ગુસ્સે ભરાઈને બસનો કાચ તોડી નાખ્યો અને બસમાં તોડફોડ કરી. બાદમાં તેમણે ડ્રાઇવર મહેબૂબભાઈને બસમાંથી નીચે ઉતારીને લાફા અને ફેટ મારી દીધી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી. મહેબૂબભાઈની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ તોડફોડ અને મારામારીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.