Ahmedabad Air pollution: શિયાળાની ઋતુ શરુ થતાંની સાથે જ હવાની ગુણવત્તા બગડવાની શક્યતાને ધ્યાને રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં જીપીસીબી, ટ્રાફિક પોલીસ, મ્યુનિ. હેલ્થ વિભાગ, એરપોર્ટ ઓથોરિટી અને નેશનલ હાઈવે સહિતના વિભાગો વચ્ચે સંકલન સાધીને પ્રદૂષણ ઘટાડવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે.
પ્રદૂષણ ઘટાડવા AMCના મુખ્ય પગલાં
શહેરમાં ધૂળ અને ધૂમાડાને કાબૂમાં રાખવા માટે તંત્ર દ્વારા વિવિધ મોરચે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં ધૂળ ઊડતી હોય તેવા વિસ્તારોમાં 16 મિસ્ટ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરાશે તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ પર પણ ધૂળ અટકાવવા પાણ છાંટવાની સૂચના અપાઈ છે. ટ્રાફિક વિભાગ દ્વારા કેમેરા મારફતે પીયુસી વિનાના વાહનોને ઝડપી લઈ ઘરે મેમો અને દંડ મોકલવાની કાર્યવાહી કરાશે.
ઉદ્યોગોથી વધુ પ્રદૂષણ ફેલાય તેને ધ્યાને રાખીને બળતણ તરીકે લાકડાં કે ટાયરનો ઉપયોગ કરતાં ઔદ્યોગિક એકમો સામે કડક પગલાં લેવાશે. તેમજ ચીમનીમાંથી નીકળતા ધૂમાડાનું સતત માપન કરાશે. બાંધકામનો કાટમાળ રસ્તા પર ફેંકનારા સામે દંડ વસૂલાશે અને કન્સ્ટ્રક્શન સાઈટનું સતત મોનિટરિંગ થશે, રિંગ રોડ સહિતના રસ્તાના કામોમાં પ્રદૂષણ ન ફેલાય તેનું ધ્યાન રખાશે. ઉપરાંત પીરાણા ડમ્પિંગ સાઈટ સહિતના સ્થળો પર વિશેષ દેખરેખ રખાશે.
AMCના આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે શિયાળામાં પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ વિભાગોના સંકલનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ઉદ્યોગો, રસ્તાની કામગીરી અને પીરાણા સાઈટ સહિતના સ્થળો પર સતત મોનિટરિંગ કરવામાં આવશે.
હવે આવતીકાલના પ્રદૂષણની પણ થશે આગાહી
વરસાદ અને ગરમીની જેમ હવે અમદાવાદમાં બીજા દિવસે વાયુ પ્રદૂષણનું સ્તર કેવું રહી શકે છે તેની આગાહી કરવાની દિશામાં તૈયારી શરૂ કરાઈ છે. આ માટે જીપીસીબી અને AMCના પ્રદૂષણ માપન યંત્રોની સાથે IITM પુણે (Indian Institute of Tropical Meteorology) ની મદદ લેવામાં આવશે, જેથી શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અંગે સ્પષ્ટ ફોરકાસ્ટ આપી શકાય.
પ્રદૂષણની ફેફસાં અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર
300 લોકો પર હાથ ધરાયેલા અભ્યાસમાં પ્રદૂષિત વિસ્તારોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર થતી અસરો સામે આવી છે આ અભ્યાસમાં સામે આવ્યું કે:
- વધુ પ્રદૂષિત વિસ્તારોમાં કામ કરતા લોકોની શ્વાસ બહાર કાઢવાની ક્ષમતા (ફેફસાંની ક્ષમતા) 11% ઓછી જોવા મળી.
- શ્વાસ લેવામાં તકલીફ થવાનું પ્રમાણ 52% વધુ જોવા મળ્યું.
- શારીરિક થાકનું પ્રમાણ 37.6% વધુ નોંધાયું.
અભ્યાસ મુજબ PM2.5 જેવા અતિસૂક્ષ્મ પ્રદૂષિત કણો ફેફસાંના ઊંડા ભાગ સુધી પહોંચીને શ્વાસમાર્ગમાં અવરોધ ઊભો કરી શકે છે.
