Ahmedabad Fire News: અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આજે રાત્રે 8:00 વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. અર્બન ચોક ફૂડ બજારમાં ચાટના એક સ્ટોલમાં પ્રાથમિક રીતે આગ લાગી, જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બાજુમાં આવેલા મોમોસના આઉટલેટ સુધી ફેલાઈ ગઈ હતી.
આ ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં બોપલ ફાયર સ્ટેશનની 3 થી 4 ગાડીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આજે કરવા ચોથનું વ્રત હોવાના કારણે અર્બન ચોક ફૂડ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. 50 થી વધુ ફૂડ સ્ટોલ ધરાવતા આ પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો
ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે તમામ લોકોને ફૂડ બજારમાંથી સહી-સલામત બહાર કાઢ્યા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આ દુર્ઘટનામાં ચાટ અને મોમોસ સહિત 3 આઉટલેટ આગની ચપેટમાં આવ્યા છે, પરંતુ સમયસર કાર્યવાહી થતા કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
