અમદાવાદમાં ગુજરાતી નહીં પણ દેવભાષા સંસ્કૃતના ગરબાનું અનોખું આયોજન, 1500 લોકો જોડાયાં

અમદાવાદમાં નવરંગ સ્કૂલ પરિસરમાં 1500થી વધુ ખેલૈયાઓએ દેવભાષા સંસ્કૃતના ગરબા પર ઝૂમીને માતાજીની ભક્તિ અર્પિત કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 09:16 AM (IST)Updated: Sun, 18 Oct 2026 09:16 AM (IST)
ahmedabad-unique-navratri-celebration-sanskrit-garba-1500-garba-players

Navratri 2026: ગુજરાતમાં નવરાત્રિ પર્વને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. મોટા ભાગે ગુજરાતી ભાષામાં જ લખાયેલા ગરબા ગાઈને જ નવરાત્રિમાં ખેલૈયાઓ ઘૂમતા હોય છે. પરંતુ અમદાવાદમાં સૌપ્રથમવાર દેવભાષા સંસ્કૃતમાં ગરબા ગાઈને માતાના ઉત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અમદાવાદની એકલવ્ય સંસ્કૃત ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃત ગરબાનું આયોજન કરતાં અંદાજે 1500થી વધારે લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. લોકોએ પણ સંસ્કૃત ભાષામાં ગવાયેલા ગરબામાં ઘૂમીને માતા પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી હતી.

સંસ્કૃત ભાષામાં ગવાયા ગરબાં

અમદાવાદ શહેરમાં છેલ્લા 26 વર્ષથી કાર્યરત એકલવ્ય સંસ્કૃત ફાઉન્ડેશન સંસ્કૃત ભાષાના પ્રચાર અને ઉત્થાન માટે કામ કરી રહી છે. આ અનોખી પહેલ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. એકલવ્ય ફાઉન્ડેશનના ડિરેક્ટર ડો. મિહિર ઉપાધ્યાય પાસેથી મળતી વિગત મુજબ, ફાઉન્ડેશન દ્વારા બાળમંદિરમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉમરના વૃદ્ધોને સંસ્કૃત ભાષા શીખવાડવામાં આવે છે. સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે તે માટે આ પહેલ શરુ કરવામાં આવી છે.

1500 ખેલૈયા પહેલમાં જોડાયા

પહેલા વર્ષ 45 વિદ્યાર્થીઓએ ગરબા કર્યા હતા. પરંતુ જેમ જેમ લોકપ્રિયતા વધી તેમ બીજા વર્ષે 400 અને આ વર્ષે નવરંગ સ્કૂલના પરિસરમાં 1500 લોકો સુધી પહોંચી જવા પામી છે. આ સંસ્કૃત ગરબાની મોટી વિશેષતાની વાત કરીએ તો, જાણીતા લોકગરબાઓનું સંસ્કૃતમાં ભાષાંતરણ કરવામાં આવ્યું છે. તારા વિના શ્યામ, મહિષાસુરમર્દિની સ્ત્રોત, શિવ તાંડવ સ્ત્રોત જેવા સુમધુર ભક્તિમય કૃતિઓનું સંસ્કૃત રુપાંતરણના ગરબા સ્વરુપે ગવાતાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો.