અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની પાક્કી થતાં જાણો કયા 45 સ્થળો પર થશે રમતોનું આયોજન અને ક્યાં થશે ડેવલપમેન્ટ

આ મેગા ઇવેન્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 16 Oct 2025 08:20 AM (IST)Updated: Thu, 16 Oct 2025 08:20 AM (IST)
ahmedabad-to-host-2030-commonwealth-games-45-venues-planned-with-major-citywide-development-projects
HIGHLIGHTS
  • કરાઈ ખાતે નિર્માણ પામનારું ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
  • વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેનિસ, એક્વાટિક (પાણીની રમતો) અને વિવિધ ઇનડોર ગેમ્સ યોજાશે.

Ahmedabad Commonwealth Games 2030: ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરને 2030ના પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)ની યજમાની પાક્કી થઈ ચૂકી છે. આ મેગા ઇવેન્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનો મુખ્ય હેતુ કોમનવેલ્થ અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક રમતોની યજમાની માટે શહેરને સજ્જ કરવાનો છે.

મુખ્ય 3 સ્થળો પર રહેશે ફોકસ

  • કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અમદાવાદમાં મુખ્યત્વે ત્રણ મોટા સ્થળો પર ફોકસ કરવામાં આવશે.
  • મોટેરા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ (Motera Sardar Patel Sports Enclave)
  • વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (SVP Sports Complex)
  • કરાઈમાં તૈયાર થનારું નવું ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

કરાઈ ખાતે નિર્માણ પામનારું ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. અહીં ફૂટબોલ, વેઇટ લિફ્ટિંગ અને શૂટિંગ જેવી મહત્વની ગેમ્સનું આયોજન થશે. જ્યારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેનિસ, એક્વાટિક (પાણીની રમતો) અને વિવિધ ઇનડોર ગેમ્સ યોજાશે.

નાના-મોટા 45 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ

એક માસ્ટર પ્લાન હેઠળ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ શહેરના ઝોન કક્ષાથી જ રમતગમતની સુવિધાઓ વિકસાવવાની શરૂઆત કરી હતી. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, માત્ર મોટા કોમ્પ્લેક્સ જ નહીં, પરંતુ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વસ્ત્રાપુર મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટ્રાન્સસ્ટેડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેર અને તેની આસપાસના નાના-મોટા કુલ 45 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ આ ગેમ્સ માટે થઈ શકે છે. આ ઉપરાંત, આયોજનના એક મહત્વના વિકલ્પ તરીકે IIT ગાંધીનગરમાં પણ કેટલીક કોમનવેલ્થ ગેમ્સ રમાડવાનું આયોજન છે.

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં રૂપિયા 2500 કરોડનું રોકાણ

કોમનવેલ્થ ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય આયોજનથી માત્ર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ પર્યટન અને હોટેલ ઉદ્યોગને પણ જોરદાર વેગ મળશે. આગામી બેથી ત્રણ વર્ષમાં અમદાવાદની હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં રૂપિયા 2500 કરોડથી વધુનું જંગી રોકાણ આવવાનો નિર્દેશ છે.

હયાત, તાજ, મેરિયટ અને વેસ્ટિન જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની હોટેલો અહીં વિસ્તરણની યોજનાઓ ઘડી રહી છે. ઉપરાંત, ગિફ્ટ સિટી (GIFT City)માં પણ બેથી વધુ ફાઇવ સ્ટાર કેટેગરીની હોટેલોનું આગમન થશે. આ રોકાણથી આશરે 1000 જેટલા નવા રૂમ શહેરમાં ઉમેરાશે.

અમદાવાદમાં યોજાનારી આ મેગા ઇવેન્ટની ભવ્યતા

  • 18 લાખ દર્શકો ગેમ્સ જોવા આવશે, જેમાં 15% જેટલા વિદેશી દર્શકો હશે.
  • 72 દેશોના 5 હજારથી વધુ એથલિટ્સ ભાગ લેશે.
  • 20 ગેમ્સની 200થી વધુ ઇવેન્ટ્સ શહેરમાં રમાશે.
  • 220 ગોલ્ડ સહિત 1500થી વધુ મેડલ્સ એનાયત કરાશે.
  • 17 હજારથી વધુ વોલિયેન્ટર્સ આ ઇવેન્ટમાં ભાગીદાર હશે.
  • શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 20% જેટલો વધારો કરવામાં આવશે.