Ahmedabad: અમદાવાદના LIG વર્ગ માટે 130 કરોડના ખર્ચે 733 સુવિધાજનક આવાસનું નિર્માણ થશે, જાણો શું હશે વિશેષતા

AMC કુલ રૂપિયા 130 કરોડ, 28 લાખના જંગી ખર્ચે શહેરના બે મુખ્ય વિસ્તારો ગોતા અને ઈસનપુરમાં 733 LIG આવાસોનું નિર્માણ કરશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 19 Oct 2025 10:19 AM (IST)Updated: Sun 19 Oct 2025 10:19 AM (IST)
ahmedabad-to-build-733-lig-houses-worth-rs-130-crore-with-modern-amenities-and-features-623551
HIGHLIGHTS
  • આ અંગેની દરખાસ્તને મ્યુનિસિપલ હાઉસિંગ કમિટીએ મંજૂર કરી છે.
  • હવે ટૂંક સમયમાં જ તેને સ્ટેન્ડિંગ કમિટીમાં અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓછી આવક ધરાવતા વર્ગ (LIG)ના નાગરિકોને આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ આવાસ પૂરા પાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. AMC કુલ રૂપિયા 130 કરોડ, 28 લાખના જંગી ખર્ચે શહેરના બે મુખ્ય વિસ્તારો ગોતા અને ઈસનપુરમાં 733 LIG આવાસોનું નિર્માણ કરશે. આ અંગેની દરખાસ્તને મ્યુનિસિપલ હાઉસિંગ કમિટીએ મંજૂર કરી છે અને હવે ટૂંક સમયમાં જ તેને સ્ટેન્ડિંગ કમિટીમાં અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.

બે ઝોનમાં વિશાળ આવાસ યોજના

AMCની આ મહત્ત્વાકાંક્ષી યોજના 'ફેઝ-3' હેઠળ લગભગ 1,000 LIG મકાનો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. હાલમાં મંજૂર થયેલા 733 આવાસોની વિગતો નીચે મુજબ છે:

ગોતા વોર્ડ (છારોડી-ત્રાગડ): ફેઝ-3, પેકેજ-16 હેઠળ રૂપિયા 75 કરોડના ખર્ચે 420 LIG આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ TP - 36, FP- 160માં 9,624 ચો.મી.ના વિશાળ પ્લોટ પર આકાર લેશે.

ઈસનપુર: દક્ષિણ ઝોનમાં ફેઝ-3, પેકેજ-19 હેઠળ રૂપિયા 55 કરોડ, 28 લાખના ખર્ચે 313 LIG આવાસો બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ઈસનપુર ચોકડી પાસે TP - 55, FP - 173માં 7,168 ચો.મીના પ્લોટમાં આકાર લેશે.

આધુનિક ફ્લેટ્સમાં હશે તમામ સુવિધાઓ

આ તમામ 733 LIG આવાસોનું બાંધકામ 10 અને 12 માળના હાઈરાઈઝ ટાવરોમાં કરવામાં આવશે, જેમાં બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા પણ સામેલ છે. દરેક ફ્લેટ 61 ચો. મી.નો કાર્પેટ એરિયા ધરાવતો હશે અને તેમાં લિવિંગરૂમ, રસોડું, બે બેડરૂમ અને એક સ્ટડી રૂમ સહિતની વ્યવસ્થા હશે.

પ્રોજેક્ટને આધુનિક બનાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે:

પાર્કિંગની વ્યાપક સુવિધા: સમગ્ર પ્રોજેક્ટમાં કુલ 811 ફોર વ્હીલર અને 1013 ટુ-વ્હીલર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે. એકલા ઈસનપુરમાં જ 313 ફોર વ્હીલર અને 410 ટુ-વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા હશે.

ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ટાવરોમાં લિફ્ટ, સોલાર પેનલ, RCC રોડ, પેવર બ્લોક, PNG ગેસ લાઈન, મિની STP તેમજ મિનિ ક્લબ હાઉસ જેવી અદ્યતન સુવિધાઓ હશે.

સામાજિક સુવિધાઓ: સોસાયટીમાં બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, કોમન પ્લોટ, સોસાયટીની ઓફિસ અને કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે રહેવાસીઓના જીવનની ગુણવત્તા સુધારશે.