અમદાવાદમાં 'સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ 2026′: ₹1 લાખ સુધીના ઈનામ, જાણો સ્પર્ધાના નિયમો અને નોંધણી પ્રક્રિયા

AMC દ્વારા સોસાયટીઓ અને પાર્ટીપ્લોટ માટે 'સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ 2026' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 01 Oct 2026 08:10 AM (IST)Updated: Thu, 01 Oct 2026 08:10 AM (IST)
ahmedabad-swachh-navratri-mahotsav-2026-amc-rules-registration-prize
AI Generated Image

Ahmedabad Swachh Navratri Mahotsav 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ 2026" સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની રહેણાંકસોસાયટીઓથી લઈને પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ જેવા મોટા સામૂહિક ગરબા આયોજકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં 1 લાખ રૂપિયા સુધીના ઈનામો પણ છે.

બે મુખ્ય શ્રેણીઓમાં સ્પર્ધા અને નોંધણી પ્રક્રિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્પર્ધા મુખ્યત્વે બે અલગ-અલગ શ્રેણીમાં આયોજિત કરવામાં આવી છે:

  • શ્રેણી-1: આ શ્રેણીમાં રહેણાંકસોસાયટીઓ, ફ્લેટ અને હાઈરાઈઝ ટાવર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • શ્રેણી-2: આ શ્રેણીમાં પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ જેવા મોટા સામૂહિક ગરબા આયોજકો ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા આયોજકોએ પોતાના સંબંધિત વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મારફતે ઓફલાઈન ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે.

ઝોન અને શહેર કક્ષાએ લાખો રૂપિયાના ઈનામ

સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝોન કક્ષા તેમજ શહેર કક્ષાએ આકર્ષક રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યા છે:

રહેણાંક સોસાયટીઓ માટે ઈનામ (શ્રેણી-1)

  • ઝોન કક્ષાએ: પ્રથમ વિજેતાને રૂ. 31 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 21 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 11 હજારનું ઈનામ આપવામાં આવશે.
  • શહેર કક્ષાએ: પ્રથમ વિજેતાને રૂ. 51 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 31 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 21 હજારનું ઈનામ મળશે.

સામૂહિક ગરબા આયોજકો માટે ઈનામ (શ્રેણી-2)

  • ઝોન કક્ષાએ: પ્રથમ વિજેતાને રૂ. 51 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 31 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 21 હજારનું ઇનામ આપવામાં આવશે.
  • શહેર કક્ષાએ: પ્રથમ વિજેતાને રૂ. 1 લાખ, દ્વિતીય વિજેતાને રૂ. 71 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 51 હજારનું રોકડ ઈનામ એનાયત કરાશે.

આ 6 મુખ્ય નિયમો અને માપદંડોનું પાલન કરવું

આ સ્પર્ધામાં વિજેતા બનવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક ચોક્કસ નિયમો અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેનું પાલન કરનાર આયોજકોને જીતવાની વધુ તક મળશે:

  1. 4 ડસ્ટબિનની ફરજિયાત વ્યવસ્થા: ગરબા સ્થળે કચરાના વર્ગીકરણ માટે ભીનો, સૂકો, સેનેટરી વેસ્ટ અને વિશિષ્ટ કાળજીવાળો એમ 4 અલગ રંગના ડસ્ટબિન મૂકવા ફરજિયાત.
  2. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ: ગરબાનું આયોજન સંપૂર્ણપણે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' હોવું અનિવાર્ય છે.
  3. કચરાનો યોગ્ય અને સમયસર નિકાલ: એકત્ર થયેલ કચરો ડોર-ટુ-ડોર વાહનમાં જ નિર્ધારિત સમયે આપવાનો રહેશે.
  4. ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ: સામૂહિક ગરબા આયોજકોએ કિચન વેસ્ટના નિકાલ માટે માન્ય એજન્સી સાથે ફરજિયાત કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે.
  5. નિર્માલ્ય વ્યવસ્થા: પૂજા સામગ્રી અને નિર્માલ્યનો નિકાલ અલગથી ત્રિ-વર્ગીકરણ કરીને નિર્માલ્ય વાહનમાં જ કરવાનો રહેશે.
  6. RRR થીમ અને ઝીરો વેસ્ટ: ઝીરો વેસ્ટ અને રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ (RRR) કોન્સેપ્ટને અપનાવનાર આયોજકોને મૂલ્યાંકનમાં વિશેષ અગ્રિમતા મળશે.