Ahmedabad Suicide Incident: અમદાવાદની સાબરમતી નદીમાં લોકોએ આપઘાત કર્યાના ચાર કિસ્સા નોંધાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. જોકે, આ દરમિયાન 1 વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. દિવાળીથી ભાઈ બીજ સુધી રિવર રેસ્ક્યુ ટીમે સાબરમતી નદીમાંથી કુલ 4 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે.
દિવાળીના દિવસ એટલે કે 8 નવેમ્બરની સવારે એલિસબ્રિજથી અટલબ્રિજની વચ્ચે નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. નદી કિનારેથી બિનવારસી બેગ, મોબાઈલ ફોન, ચપ્પલ અને બાઈકની ચાવી મળી આવતા ફાયરની રિવર રેસ્ક્યૂ ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં માત્ર 1 કલાકમાં નદીમાંથી ફેનિલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
8 નવેમ્બર, રવિવારના રોજ પતંગ હોટલ તરફના રિવરફ્રન્ટ પર 1 અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરી રહ્યો હતો. રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે જાણ કરતા રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક પાસેથી ઓળખનો કોઈ પુરાવો ન મળતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.
પડતર દિવસ એટલે કે 9 નવેમ્બર, સોમવારની બપોરે દધિચી બ્રિજ પાસે 1 વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હતી. રેસ્ક્યુ ટીમે પ્રવીણ કામલે નામના વ્યક્તિને નદીમાંથી બહાર કાઢ્યો ત્યારે તેનો શ્વાસ ચાલી રહ્યો હોવાથી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પડતર દિવસ એટલે કે 9 નવેમ્બર, સોમવારે મોડી રાતે રિવરફ્રન્ટ પર અન્ય એક વ્યક્તિએ નદીમાં ઝંપલાવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડે ફાયરને જાણ કર્યા બાદ રેસ્ક્યુ ટીમે નદીમાંથી સાજીદ પઠાણ નામના વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ભાઈ બીજના દિવસે સવારે એલિસબ્રિજ પાસે નદીમાંથી વધુ 1 અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ સિક્યુરિટી ગાર્ડે કરી હતી. રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો, પરંતુ તેની પાસેથી કોઈ ઓળખકાર્ડ મળ્યું નહોતું. આ મૃતકના હાથ પર અંગ્રેજીમાં "પરેશ" લખેલું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.
