અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ: શાહઆલમ ટોલનાકા પાસે 3 યુવકોનું કિડનેપ, લાકડાના દંડા વડે માર મારી લૂંટ

અમદાવાદના શાહઆલમ ટોલનાકા પાસેથી 3 યુવકોનું સ્વિફ્ટ કારમાં અપહરણ કરી નારોલ બ્રિજ પાસે લઈ જઈ લાકડાના દંડા અને છરીની અણીએ લૂંટ ચલાવાઈ હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 12:29 PM (IST)Updated: Tue, 27 Oct 2026 12:29 PM (IST)
ahmedabad-shah-alam-youth-car-kidnapping-robbery-narol-bridge-kagadapith-police

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં શાહઆલમ અને દાણીલીમડા વિસ્તારમાં સનસનાટી મચાવતી ઘટના સામે આવી છે. શાહઆલમ ટોલનાકા ચાર રસ્તા પાસે ચા પીવા ઊભેલા ત્રણ મિત્રોનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 શખ્સોએ અપહરણ કર્યું. યુવકોને નારોલ બ્રિજ તરફ લઈ જઈને લાકડાના દંડા વડે ઢોર માર માર્યો હતો. છરી બતાવી રુ.5,500ની લૂંટ ચલાવી હતી. જે ઘટનાને પગલે કાગડાપીઠ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ત્રણ યુવકોનું અપહરણ કરાયું

મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડાં રહેતો અને હાથીજણ સ્થિત નોકરી કરતો યશ પરમાર 25 ઓક્ટોબરે પોતાની નોકરી પૂરી કરીને તેના મિત્રો તુષાર ઠાકોર અને નૈતિક સાથે મોટરસાઇકલ પર ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ શાહઆલમ ટોલનાકા પાસે ચા પીવા માટે રોકાયા હતા. ત્રણેય મિત્રો ચા પી રહ્યા હતા. તે સમયે ભીલવાસ અને ઇસનપુરના વિવેક, તરુણ અને ચીંટુ નામના ત્રણ શખ્સો સ્વિફ્ટ કારમાં આવી પહોંચ્યા હતા. તેઓએ ત્રણેય યુવકોને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને નારોલ બ્રિજ તરફ લઈ ગયા હતા.

ઢોર માર મારી લૂંટ ચલાવી

આરોપીઓ કારમાં ત્રણેય યુવકોને લઈ ગયા. ત્યારબાદ નારોલ બ્રિજ નજીક પહોંચીને કારમાંથી ઉતાર્યા. ત્યારબાદ પૈસાની માંગણી કરી હતી. જોકે, યુવકોએ પૈસા ન હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડાના દંડાથી માર માર્યો હતો. તેમજ એક આરોપી તરુણે છરી બતાવીને ધમકી આપી એક યુવકના ખિસ્સામાંથી રુ. 5,500 લૂંટી લીધા હતા. પૈસાની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ 50 હજારની માંગણી કરી હતી.

યુવકોએ ભાગીને જીવ બચાવ્યો

મોકો જોઈને બે યુવકો યશ અને નૈતિક કારમાંથી ઉતરીને ભાગી ગયા. જ્યારે અન્ય યુવક તુષાર પણ આરોપીઓની નજર ચૂકવીને નાસી ગયો હતો. યુવકોએ સફળતા પૂર્વક જીવ બચાવી લેતાં આરોપીઓ પણ કાર લઈને જતાં રહ્યા હતા. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ અપહરણ અને લૂંટની ગંભીર ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.