Ahmedabad: વિદ્યાર્થીની હત્યા બાદ 43 દિવસે સેવન્થ ડે સ્કૂલ ઓફલાઈન શરૂ, પોલીસ અને બાઉન્સરનો કડક બંદોબસ્ત

વાલીઓની સતત રજૂઆતને પગલે શાળા સંચાલકોએ શુક્રવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગો શરૂ કર્યા છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 04 Oct 2025 11:52 AM (IST)Updated: Sat, 04 Oct 2025 11:53 AM (IST)
ahmedabad-seventh-day-school-starts-offline-43-days-after-students-murder-strict-security-arrangements-by-police-and-bouncers
HIGHLIGHTS
  • સુરક્ષાની વ્યવસ્થા ઘણી કડક રાખવામાં આવી છે.
  • પોલીસ તથા બાઉન્સરની કડક સુરક્ષા વચ્ચે ક્લાસ શરૂ કરાયા છે.

Ahmedabad News: અમદાવાદના હોટકેશ્વરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં આખરે 43 દિવસ બાદ ઓફલાઈન વર્ગો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીની ઘાતકી હત્યાની ઘટના બાદ સ્કૂલમાં માત્ર ઓનલાઈન ક્લાસ જ ચાલુ રાખવામાં આવ્યા હતા. જોકે, વાલીઓની સતત રજૂઆતને પગલે શાળા સંચાલકોએ શુક્રવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગો શરૂ કર્યા છે.

સુરક્ષાની વ્યવસ્થા ઘણી કડક રાખવામાં આવી છે. શાળામાં 60થી વધારે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, પોલીસ તથા બાઉન્સરની કડક સુરક્ષા વચ્ચે ક્લાસ શરૂ કરાયા છે.

શાળા ફરી શરૂ થતાં પહેલા દિવસે વિદ્યાર્થીઓની હાજરી ઘણી ઓછી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દિવસે 25 ટકા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ન હતા.

શું હતી 43 દિવસ પહેલાની ઘટના?

આ ઘટના 19 ઓગસ્ટના રોજ બની હતી. ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતું. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન 20 ઓગસ્ટના રોજ મણિનગરની હોસ્પિટલમાં દુઃખદ મોત થયું હતું. આરોપી સગીર વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

વિદ્યાર્થીનાં મોત બાદ પરિસ્થિતિ તંગ બની હતી. વિદ્યાર્થીનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચીને પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઘટનાના ગુજરાતભરમાં ભારે પડઘા પડ્યા હતા. સ્કૂલની ઘટના પછી ઘણા વાલીઓએ સ્કૂલ પણ બદલી દીધી હતી. પરતુ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વાલીઓ માટે સ્કૂલ બદલવી ખુબજ મુશ્કેલ હોવાનું સામે આવ્યું હતું.